માંડવીના સાગરમાં તણાયેલા પૈકી બેના મૃતદેહ મળ્યા

માંડવીના સાગરમાં તણાયેલા પૈકી બેના મૃતદેહ મળ્યા
ભુજ, તા. 25 : ગઇકાલે જન્માષ્ટમીના તહેવાર પ્રસંગે બંદરીય નગરી માંડવીમાં વિન્ડફાર્મ સ્થિત સાગરકાંઠે એકત્ર સહેલાણીઓના મોટા સમૂહ થકી સર્જાયેલા મેળા જેવા માહોલ વચ્ચે સમુદ્રમાં નહાવા માટે પડેલા દસથી પંદર યુવાનો તણાયા બાદ મોટાભાગનાઓને બચાવી લેવાયા હતા. પણ મહેરામણનાં ઉછળતા મોજાં વચ્ચે ઊંડાં પાણીમાં ગરકાવ થઇ ગયેલા પૈકીના બે હતભાગીના મૃતદેહ આજે સવારે અને સાંજે મળી આવ્યા હતા. ઉમંગ અને ઉલ્લાસ વચ્ચે તહેવારોની ઉજવણી દરમ્યાન બનેલી આ કરુણ ઘટના થકી શોક સાથે અરેરાટી વ્યાપી છે.  બહાર આવેલી વિગતો અનુસાર આ કિસ્સામાં હિંમત વિરમ મહેશ્વરી (ઉ.વ. 18)નો મૃતદેહ આજે સવારે માંડવી બંદર નજીક બ્રેકવોટર પાસેથી મળી આવ્યો હતો. જ્યારે અન્ય એક હતભાગી યુવાન લાખોંદના જીતેશ લાલજી કોળીની લાશ આજે સાંજે મળી આવી હતી. સત્તાવાર સાધનો પાસેથી મળેલી માહિતી અનુસાર ગઇકાલે ગોકળ આઠમના તહેવાર નિમિત્તે માંડવી શહેરમાં વિન્ડફાર્મ સ્થિત સાગર કિનારે સહેલાણીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. ઉમંગ અને ઉત્સાહ તથા શોરબકોર અને કીકિયારીઓ વચ્ચે સમુદ્રમાં નહાવા માટે પડેલા દશથી પંદર જણ મોજાંની થપાટો સહન ન કરી શકવાના કારણે તણાવા લાગ્યા હતા. અલબત્ત વોટરબોટ અને તરવૈયાઓની મદદથી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ડૂબી રહેલા મોટાભાગના લોકોને ઉગારી લેવામાં આવ્યા હતા. એક તબક્કે મોજાંઓ કેટલા જણને તાણી ગયાં તેના સહિતની અસંમજસ જારી રહી હતી.  બચાવાયેલા લોકો પૈકી ગાંધીધામના ચેતનભાઇ ધીરજલાલ ઠક્કર (ઉ.વ. 25)ને પાણીમાંથી બહાર કાઢી પહેલાં સ્થાનિકની સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે ભુજ લઇ અવાયો હતો.  પોલીસે આજે સાંજ સુધીનો સમગ્ર ઘટનાક્રમ વર્ણવતાં વધુમાં જણાવ્યું હતું કે, યુવાન વયના હિંમત મહેશ્વરીનો મૃતદેહ આજે સવારે મળી આવ્યા બાદ અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો હતો. જ્યારે આજે ઢળતી બપોર બાદ જીતેશ કોળીનો મૃતદેહ તણાયેલો કાંઠે મળી આવ્યો હતો. દરમ્યાન ગઇકાલે આ કરુણ કિસ્સો બનવા સમયે દોડાદોડી સહિતનો માહોલ જોવા મળ્યો હતો. બોટવાળા અને તારુઓએ ઉલ્લેખનીય કહી શકાય તેવી કાર્યવાહી હાથ ધરીને અનેક માનવ જીવન બચાવી લીધા હતા. તંત્ર દ્વારા હજુયે શોધખોળ સહિતની કાર્યવાહી અવિરત રખાઇ છે. પર્યટનધામ બની ગયેલા માંડવીના સમુદ્ર કિનારે આ પ્રકારની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી સમયાંતરે બનતી આવતી રહી છે. પ્રશાસન હવે યોગ્ય વ્યવસ્થા ઊભી કરે તેવી લાગણી પ્રવર્તી રહી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer