ગાંધીધામના પુન:વસનમાં સ્વ.જેટલીનો સિંહફાળો હતો

ગાંધીધામના પુન:વસનમાં સ્વ.જેટલીનો સિંહફાળો હતો
ગાંધીધામ,તા. 25:વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ કચ્છના વિવિધ અસરગ્રસ્ત તાલુકાઓ પૈકી ગાંધીધામ તાલુકો ઝડપભેર ધમધમતો થયો તેનું સમગ્ર શ્રેય લાંબા અરસા સુધી ગુજરાતના સાંસદ રહેલા અને દેશના પૂર્વ નાણામંત્રી  અરુણ જેટલીના ફાળે જાય છે.  ભૂકંપ વખતે કેન્દ્રમાં સરફેસ ટ્રાન્સપોર્ટ મંત્રી તરીકે જવાબદારી  વહન કરનારા સ્વ.જેટલીજીએ ગાંધીધામ કંડલા સંકુલના પુન:વસનનો સમગ્ર દોરીસંચાર સંભાળ્યો હતો. ભૂકંપ બાદ ગાંધીધામ આવી પહોંચ્યા હતા. તેમણે શહેરની હાલત જોયા બાદ  ગાંધીધામથી શિપિંગ સચિવ સાથે ટેલિફાઁિનક વાત કરી કહ્યુyં હતું કે `શહેર પૂરા ખતમ હો ગયા હૈ પોર્ટ સે કામ કરના હોગા' જો કે શિપિંગ સચિવે આમ થઈ ન શકે તેવું જણાવતાં  તેમણે કંડલા અર્થકવેક રિલીફ ફંડની રચના કરી અને અલગ રજિસ્ટ્રેશન કરાવ્યું.   તમામ કામ ઈમાનદારીપૂર્વક અને બેનમૂન રીતે થાય તે માટે તેમણે નેશનલ બિલ્ડિંગ કંન્સ્ટ્રકશન કંપની (એન.બી.સી.સી)ને કામ સોપ્યું અને ગાંધીધામને પુન: ધબકતું કરવાના કાર્યનો આરંભ થયો હતો. દેશના મહાબંદરો અને શિપિંગ કંપની પાસેથી ભંડોળ એકત્ર કર્યું હતું. `કર્ફ' તળે 32 કરોડથી વધુની રકમ એકત્ર થઈ હતી. ગાંધીધામ સંકુલમાં હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ વહેલામાં વહેલી તકે કઈ રીતે ધમધમતી બને તે તરફ  તેમણે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગાંધીધામ આદિપુર અને કંડલાની 44 શાળા કોલેજો, પાંચ હોસ્ટેલ, 6 સ્વૈચ્છિક સંસ્થાના ભવન અને પાંચ હોસ્પિટલના પુન:નિર્માણ માટે માતબર રકમની ફાળવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગાંધીધામ આદિપુરના 90 કિલોમીટર જેટલા મુખ્ય અને આંતરિક માર્ગોનું મજબૂતીકરણ, ગાંધીધામ આદિપુરમાં 7 જેટલા સર્કલનું નવીનીકરણ, ટાગોર રોડનું મજબૂતીકરણ, ગાંધીધામની મુખ્ય બજારના બન્ને માર્ગોનું મજબૂતીકરણ, વરસાદી પાણીના નિકાલ માટે આર.સી.સી. વાળા વરસાદી નાલાનું બાંધકામ, મુખ્ય બજારમાં   અંડર ગ્રાઉન્ડ વીજ વાયરિંગ સહિતની માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી હતી. લગભગ બે વર્ષના સમય ગાળામાં `કર્ફ' તળે ગાંધીધામ આદિપુરના પુન:વસનની કામગીરી પાર પાડવામાં આવી હતી. આ ઉપરાંત ભૂકંપગ્રસ્ત ફલેટ ધારકો, ભાડુઆતોના પુન:વસન માટે ગાંધીધામ આદિપુરની મધ્યમાં ડી.સી-પ વિસ્તારમાં 55 એકર જમીન તત્કાલિન સરફેસ ટ્રાન્સપોર્ટ મંત્રીએ મંજૂર કરાવી હતી. તેમજ ગાંધીધામ અને આદિપુરનો અંદાજે ચાર  લાખ ટન જેટલા મલબાનો નિકાલ કરાવાયો હતો. તમામ કાટમાળને  નકટી નદી નજીક ઠાલવી ત્યાં વાહનોનું પાર્કિંગ થઈ શકે તેવા ધ્યેય સાથે લેવલિંગ કરાયું હતું.  તેઓ લાંબા સમય સુધી  સપ્તાહમાં એક વખત ગાંધીધામની મુલાકાતે આવતા હતા. સકુલના બેનમૂન પુન:વસન માટે તેમણે આપેલા યોગદાનને ગાંધીધામવાસીઓ કયારેય નહીં ભૂલે. તેમના અવસાનથી ગાંધીધામ સંકુલમાં ઘેરાશોકની લાગણી પ્રસરી છે.  સંકુલના લોકોએ ગાંધીધામની તેમની સાથેની સ્મૃતિઓ તાજી કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer