કચ્છમાં ગુંજ્યો એક જ નાદ... `એણે મને માયા લગાડી રે..''

કચ્છમાં ગુંજ્યો એક જ નાદ... `એણે મને માયા લગાડી રે..''
ભુજ, તા. 25 : શ્રી કૃષ્ણની માયા ભક્તોમાં યુગો બાદ પણ અજર અમર છે. જન્માષ્ટમીના પર્વે ભાવવિભોર બની `નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી'નો જયઘોષ ગોકુળિયામાં હોવાની અનુભૂતિ સાથે થતો રહ્યો છે. `કોઈ નહીં હૈ તુજ બિન મોહન ભારતકા રખવાલા રે બડી દેર ભયી નંદલાલા' જેવા ગીતો કૃષ્ણ પરના અટલ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. કચ્છમાં પણ માખણચોર, નટખટ, મુરલી મનોહરથી નરનારાયણ દેવ સુધીના વિધવિધ મંદિરોએ ઉલ્લાસમય ઉજવણી કરાઈ હતી. તો શિરોમણિ ભગવાનની શોભાયાત્રાઓએ યુવાઓને મટકીફોડનો આનંદ અપાવ્યો હતો. તો ગ્રામીણ મહિલાઓએ માટીના જશોદા, રાધા-કૃષ્ણની મૂર્તિ પધરાવી પરંપરાગત ઉજવણી કરી હતી. રાસની રમઝટ અને મેળાની મોજ માણી હતી. ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 45 વર્ષની પરંપરા મુજબ જન્માષ્ટમી તેમજ વિહિપના સ્થાપના દિવસ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી. ધાર્મિક પૂજન વિધિ બાદ સાંસદ વિનોદભાઈ ચાવડા, અગ્રણીઓ તેમજ સાધુ-સંતો દ્વારા પ્રસ્થાન કરાવાયું હતું. વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડયાએ 1964માં સાંદિપની આશ્રમ ખાતે દેશના સાધુ-સંતોના માર્ગદર્શન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરાઈ હતી તેની માહિતી આપી હતી. રાસ તેમજ 11 જેટલી જગ્યા પર મટકીફોડના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રામાં હિતેશ મહારાજ, વી.વી. સ્વામી, સતીશ ત્રિવેદી, નવીનભાઈ વ્યાસ, ધનજીભાઈ ગોરસિયા, રમેશભાઈ મહેશ્વરી, સામતભાઈ મહેશ્વરી, સુરેશભાઈ માહેશ્વરી, કિરીટ સોમપુરા, દિલીપભાઈ ત્રિવેદી, ભુજના પાલિકા પ્રમુખ લતાબેન, ચેતનભાઈ રાવલ, ચંદુભાઈ રૈયાણી, લક્ષ્મણસિંહ, મંદિરના પૂજારી મધુસૂદન જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા કેતનભાઈ સોની અને અરવિંદ ઠક્કરે સંભાળી હતી. ભુજના નવી રાવલવાડીના રાધિકા પાર્ક ખાતે ગોવર્ધન પર્વત મુખ્ય આકર્ષણ બન્યું હતું. સંગીતમય ભક્તિગીતોની રમઝટ બાદ રાત્રે 12 વાગ્યે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. માંડવી સ્થા. છ કોટિ જૈન સંઘમાં પૂ. ગીતાબાઈ મ.સા. આદિ ઠાણા-5ની નિશ્રામાં જન્માષ્ટમી નિમિત્તે 2 વર્ષથી 12 વર્ષની બાળકોનો વેશભૂષા તથા વક્તવ્યનો વિશિષ્ટ કાર્યક્રમ પિનાકીનીબેન સંઘવીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. બાળકોએ કૃષ્ણ, રાધા, મયણાસુંદરી, પુણ્યા શ્રાવક વગેરેની વેશભૂષા ધારણ કરી હતી અને નંદ ઘેર આનંદ ભયોથી સ્થાનકને ગુંજાવી દીધું હતું. સંઘ અને વિવિધ દાતાઓએ બાળકોને પુરસ્કાર જાહેર કરેલા. માંડવી સ્વામિ. મંદિરે મહંત સ્વામી ભગવતજીવનદાસજીની પ્રેરણાથી તેમજ સ્વામી નારાયણમુનિદાસજીના માર્ગદર્શન હેઠળ દહીંહાંડીમાં 12 જેટલા યુવક મંડળોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ પિયાવા યુવક મંડળ રહ્યું હતું. કૃષ્ણ પૂજન-આરતી અને રાસોત્સવની રમઝટ જામી હતી. વ્યવસ્થા કોઠારી સ્વામી પૂર્ણપ્રકાશદાસજી, સ્વામી ભક્તિપ્રકાશદાસજી (કોઠારી), સ્વામી વ્યાસમુનિદાસજી (કોઠારી) તેમજ હરિભક્તોએ સંભાળી હતી. ગાંધીધામની કામધેનુમાં 700થી વધુ ગાય માતા વચ્ચે કૃષ્ણ જન્મ, આરતી, મટકીફોડ, પ્રસાદી સાથે રાસ ગરબાનું યંગ જાયન્ટસ ગ્રુપ ઓફ ગાંધીધામ પ્રોજેકટ ચેર પર્સન મનીષા ગોયલ અને પ્રમુખ પારૂલ સોની એડવોકેટએ આયોજન કર્યું હતું. અતિથિ વિશેષ દીના કપ્ટા અને સવિતાબેન, અતિથિ વિશાલ ગોયલ અને સુરેશભાઇ ગજ્જર, પારૂલબેન ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપ, રાધા કૃષ્ણ અને ગોવાળોને ગ્રુપે ભેટ આપી હતી. ઓસ્લો ગ્રુપ ડાયરેકટર યોગેશકુમાર સોની, સેન્ડી બિરલા વગેરે યંગ ગ્રુપ પ્રમુખ પૃથ્વી સોની, હાર્દિક ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નખત્રાણામાં રાત્રે બાર વાગતાં જ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના જયઘોષ સાથે મંદિરોના ચોક ગાજી ઊઠયા હતા. મુખ્ય બજારમાં ઠાકર મંદિરે કૃષ્ણ બાળ ગોપાલના દર્શન માટે મોટી સંખ્યામા ભાવિકા ઊમટયા હતા. આ અગાઉ સત્યનારાયણ પાટીદાર સમાજવાડી ખાતેથી મા યશોદાની મૂર્તિને વાજતે ગાજતે ઠાકર મંદિરે પહોંચાડી હતી. પૂજારી દીપકભાઇ વૈશ્નવે મૂર્તિ પૂજા કરી હતી. મટકી ફોડ નાની, બાલિકાઓના દાંડિયા રાસ સાથે બરાબર બાર વાગ્યે ભગવાનશ્રી કાનાનો જન્મ થતાં જ હર્ષોઉલ્લાસ સાથે જય કનૈયાલાલ કી જય ઘોષ થયો હતો. પંજૂરી માખણ મીસરીના પ્રસાદ સાથે આનંદ છવાયો હતો. નખત્રાણા નવાવાસ લક્ષ્મીનારાયણ મંદિરે જૂનાવાસ લક્ષ્મીનારાયણ મંદિરે પાટીદાર સમાજ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. નવાનગર ખાતે રબારી વાસમાં રબારી સમાજ દ્વારા જન્માષ્ટમી ઉજવાઇ હતી. સમાજની બહેનો દ્વારા જશોદા માની મૂર્તિ માટીમાંથી બનાવી સમગ્ર ગામમાં ફેરવવાની સાથે ભજનિકો દ્વારા ભજનો સાથે મહિલાઓએ રાસ સાથે વાતાવરણ કૃષ્ણમય બનાવ્યું હતું. ભુજની ભાગોળે માધાપર મધ્યે નવદુર્ગા ગ્રુપ આયોતિ મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. શુભમ ગ્રુપ, શ્રી હરિ ગ્રુપ અને ક્રિષ્ના ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ડી.જે. સાઉન્ડ સહારે નવાવાસમાં રવાડી કાઢવામાં આવી હતી. ગોવિંદાઓ દ્વારા રાસ રમતા ગામની મુખ્ય શેરીમાં વાજતે ગાજતે નંદ ઘેર આનંદ ભયોના સાથે શંકર મંદિર ચોક અને સ્વામિ. મંદિર ખાતે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. નવદુર્ગા નવરાત્રિ ચોકમાં 25 ફૂટ ઊંચી અને મુખ્ય મટકીફોડ એમ.એસ.વી. હાઇસ્કૂલના વિદ્યાર્થી દ્વારા મટકી ફોડ કરવામાં આવી હતી. કાના તરીકે મોહન પટેલે મટકી ફોડી હતી. દોરી ઉપર 30 મિનિટ સુધી ફ્રુટ અને રૂપિયા તોડીને પ્રસાદરૂપી ગ્રામજનોને આપી શરીર કૌવત બતાવ્યું હતું. નવદુર્ગા ગ્રુપના પ્રમુખ અરજણભાઇ ભુડિયા, સુભમ ગ્રુપના નારણ ભુડિયા, શ્રી હરિ ગ્રુપના હરીશભાઇ ભુડિયા તથા રમેશભાઇ વોરા, ભરતભાઇ ગોરસિયા, ઇશ્વવરભાઇ મિત્રી, સંજય ભુડિયા, પ્રકાશ વાગડિયા, વિજય ભુડિયા, સંજય ભુડિયા, મહેશ સોની, નવાવાસ સરપંચ પ્રેમિલાબેન ભુડિયાએ વ્યવસ્થા સંભાળી હતી. હેપ્પી હોમ સોસાયટી માધાપરમાં પ્રથમ વખત જન્માષ્ટમીની ઉજવણી પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણની આરતી બાદ મટકીફોડનું આયોજન કરાયું હતું. રાપરમાં દેના બેંક ચોક, અયોધ્યાપુરી રાધાકૃષ્ણ મંદિર, રામ મંદિર, સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ સત્સંગ હોલ સહિતના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી. મટકી ફોડ, કાનાને પારણામાં ઝુલાવવા, મહા આરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. રત્નેશ્વર મંદિર  ખાતે મેળો યોજાયો હતો. કાર્યક્રમમાં સંત ત્રિકાલદાસજી, અગ્રણી બાબુભાઇ શાહ, પાલિકા પ્રમુખ ગંગાબેન શિયારિયા, ઉપપ્રમુખ હઠુભા સોઢા, માજી ધારાસભ્ય પંકજ મહેતા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યોગેશ્વર મંદિરથી સ્વાધ્યાય પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી હતી. ખાવડા લોહાણા યુવક મંડળ દ્વારા શોભાયાત્રા પ્રમુખ સ્વામી નગરથી નીકળી રામ દરબાર પાસે તેમજ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મટકી ફોડ કરતાં દરિયાલાલ મંદિર પ્રાંગણમાં મુખ્ય મટકીફોડ અને પ્રસાદ સાથે મધ્યરાત્રિએ મોરલી મનોહર મંદિર ખાતે પ્રાગટય આરતી બાદ પણ મટકીફોડ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. મહાજન પ્રમુખ હીરાલાલ રાજદે, સભ્યો વિપુલ તન્ના, દિલીપ દાવડા, શશીકાંત સોતા, વેપારી મંડળ ઉપપ્રમુખ પરસોત્તમ કકડ, મહિલા અગ્રણી કૃષ્ણાબેન સોનાઘેલા સાથે જોડાયા હતા. યુવક મંડળ પ્રમુખ અનિરુદ્ધ રાજદે, મંત્રી હિતેશ બળિયા, સહમંત્રી કનૈયાલાલ સોતાએ સહયોગ આપ્યો હતો. રાયધણપર (તા. ભુજ) જન્માષ્ટમીના સ્વયં ગોકુળ-મથુરા હોય તેવો માહોલ રોમાંચિત કરતો હતો.  સુમરાસરથી માંડીને છેક રણની કાંધીએ ધરમપર, જવાહરનગર અને હાઇવે ટચના ધાણેટી, પદ્ધર, રતનાલ ગામે-ગામ કૃષ્ણ જન્મ નિમિત્તે રાસ-દાંડિયા અને ભજનોની રમઝટ વચ્ચે ઘોર સ્વરૂપે  ફાળા સ્વરૂપે દરેક ગામના ગાયોના ચારા માટે ફંડ એકત્ર થયું હતું. આહીરપટ્ટી પંથકમાં જન્માષ્ટમીને લઇને પાંખી જોવા મળી હતી. દહીંસરામાં નંદ મહોત્સવ ઊજવાયો કલ્યાણેશ્વર મહાદેવ મંદિરમાં હિન્દુ સનાતન સમાજ દ્વારા નંદ મહોત્સવ પ્રસંગે બાલાબા જાડેજા, મીનાબેન જોશી, પ્રભાબેન લુહાર વગેરે સહયોગી રહ્યા હતા. બાલકૃષ્ણને પારણે ઝુલાવીને જન્માષ્ટમી ઉજવાઇ હતી. ભુજ તા.ના ઝુરા ગામે યુવા રાજપૂત (ક્ષત્રિય) સમાજ દ્વારા જન્માષ્ટમીની મધરાતે રામદેવ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. બીજા દિવસે નંદ મહોત્સવનું આયોજન કરાયું હતું. ડી.જે.ના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ સાથે મટકી ફોડ, રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. માલધારી રબારી જ્ઞાતિની વસ્તી ધરાવતા ઘોડાલખ, ફિલોણ, મઉં, દેવપર વિગેરે ગામોએ અનોખી પરંપરા જાળવી હતી. પાટીદાર સમાજની વસ્તી ધરાવતા રાજપર, ભેરૈયા, લુડવા, વિરાણી નાની, દુજાપર, વડવા કાંયા, રત્નાપર અને ગઢશીશા, દરશડી, મમાયમોરા તથા વરઝડી ગામોના લક્ષ્મીનારાયણ ભગવાન મંદિર ચોકમાં `સાતમ'નો ઢોલ પણ ધ્રબુક્યો હતો અને જ્ઞાતિના લોકોએ સાતમ-આઠમ ધંધા, વ્યવસાય, ખેતીમાં `પાંખી' પાળી ચોકમાં હાજરી પૂરાવી હતી, જેમાં ગઢશીશા નવાવાસ વિસ્તારમાં પ્રમુખ મોહનભાઈ પરવાડિયા તથા ઉમિયાનગર પાટીદાર સમાજ પ્રમુખ રમણીકલાલ હંસરાજ રંગાણીના નેજા હેઠળ ઉજવણી કરાઈ હતી. તો પ્રાચીન મોરલી મનોહર મંદિરે પૂજારી પ્રભાશંકર જોષી, દ્વારિકાધીશ મંદિર ખાતે રાજાભાઈ જોષી તથા અંબાજી મંદિર ખાતે ચંદુમા દ્વારા નંદમહોત્સવ ઉજવાયો હતો. બિલેશ્વર મંદિરે લોકમેળો : રાજપર પાસે બિલેશ્વર મંદિર ખાતે મહંત ચમનગિરિ ગોસ્વામી અને શૈલેશગિરિ ગોસ્વામીના સાંનિધ્યમાં રાજપર જૂથ ગ્રામ પંચાયત દ્વારા સરપંચ મણિબેન શાંતિલાલ છાભૈયા તથા સભ્યોએ લોકમેળો ખુલ્લો મૂક્યો હતો. આહીર સમાજ-રાજપર દ્વારા શિવપાલખીનું આયોજન કરાયું હતું. ભુજપુર (તા.મુંદરા) : લક્ષ્મીનારાયણ મંદિરેથી પંચતીર્થ શોભાયાત્રા વાજતે-ગાજતે નીકળી હતી. ચાર શિવમંદિરે દર્શનનો લાભ લઈ ઠાકર મંદિર ચોકમાં મટકીફોડનું આયોજન થયું હતું. રાત્રે શ્રીકૃષ્ણજન્મોત્સવ ઉજવાયો હતો. વિરાણી મોટી :?ઠાકોરજી મંદિરે પૂજારી અશ્વિન સેવકના સાંનિધ્યમાં મધ્ય રાત્રિએ આરતી-પૂજન શોભાયાત્રાના કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક યોજાયા હતા. રવિભાણ આશ્રમ રામ મંદિરે મહંત શાંતિદાસજી મહારાજના સાંનિધ્યમાં કૃષ્ણજન્મની આરતી-પૂજન, મટકીફોડના કાર્યક્રમો લઘુમહંત સુરેશદાસજીએ સંપન્ન કરાવ્યા હતા. લક્ષ્મીનારાયણ મંદિરે પૂજારી કમલેશ રાવલે કૃષ્ણજન્મની આરતી પૂજન સંપન્ન કરાવ્યા હતા. સાંજે પાટીદાર સનાતન સમાજ દ્વારા શોભાયાત્રા, રાત્રે મહિલા-પુરુષો દ્વારા રાસ-દાંડિયારાસ યુવાનો દ્વારા રમત-ગમત સહિતના કાર્યક્રમો પ્રમુખ અબજીભાઈ કાનાણીના વડપણ હેઠળ યોજાયા હતા. વાંઢાય તીર્થધામ (તા.ભુજ)ના રામજી મંદિરે પૂજારી રોહિત મારાજે કૃષ્ણ જન્મની આરતી કરાવી હતી. ઈશ્વર આશ્રમ મંદિરે ભરતદાસ દ્વારા આરતી પૂજન બાદ નંદઘેર આનંદ ભયોના નાદથી પરિસરો ગાજી ઊઠયા હતા. રાત્રિએ  દાંડિયારાસની રમઝટ જામી હતી. કોટડા (જ) (તા.નખત્રાણા) : ગણેશ મંડળે વિગ્નેશભાઈ દૈયાના માર્ગદર્શન તેમજ પાટીદાર સમાજે પણ રાહતભાવે લાડુ વિતરણ કર્યું હતું. રામજી મંદિર, નવાવાસ કોટડા (જ) સમાજ, અ.જા.વાસ શિવમંદિર, લક્ષ્મીનારાયણ મંદિર શણગારવામાં આવ્યા હતા. નવાવાસ ખાતે યશોદાજીની મુકેશ હિમતલાલ માવાણી અને કૃષ્ણલાલની પધરામણી ડાયાલાલ માવજી ખીમાણીના નિવાસસ્થાને કરાઈ હતી. જૂનાવાસ ખાતે યશોદાજીની પધરામણી નરેશ નાગજી ખેતાણીના નિવાસસ્થાને તેમજ કૃષ્ણલાલની પધરામણી સ્વ. દેવશીભાઈ કરશન ડોસાણીના નિવાસસ્થાને કરાઈ હતી. રામજીભાઈ ગરવાના નિવાસસ્થાનેથી શોભાયાત્રા નીકળી રામદેવજી મહારાજ મંદિરે પધરામણી કરાઈ હતી. મટકી ફોડનું આયોજન કરાયું હતું. મેઘપર બોરીચીના મંગલેશ્વર ખાતે સવારે શોભાયાત્રા અને મટકીફોડ, રાસના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. રાતે કૃષ્ણ જન્મ ઉજવાયો હતો. નવી દુધઇ?(તા. અંજાર) : ગણેશ યુવક મંડળ દ્વારા રવાડી સાથે ત્રણ જગ્યાએ મટકીફોડનું આયોજન કરાયું હતું. રાત્રે રાધા-કૃષ્ણ મંદિરે કૃષ્ણ જન્મોત્સવની આરતી સાથે ઉજવણી કરાઇ હતી. આંબાપર (તા. અંજાર)ના યુવક મંડળ દ્વારા સવારે ગામમાં રવાડી કાઢવામાં આવી હતી. નાના બાળકોને બલરામ અને કૃષ્ણરૂપે તૈયાર કરાયા હતા. દાંડિયારાસમાં ભાઇઓ-બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. બપોરે મટકી ફોડ, રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ભચાઉ તા.ના ચોબારી ગામે પરંપરા મુજબ આહીર મહિલાઓએ તળાવની માટીમાંથી રાધા-કૃષ્ણની મૂર્તિ બનાવી વત્રો તથા આભૂષણોથી સજાવી ઘેર લઇ?જઇ?મહોલ્લામાં રાતભર જાગરણ કરી કાના-રાધાના ગીતો ગવાય છે ને સવારમાં પાછા એ જ તળાવમાં મૂર્તિને પધરાવાય છે. બાલાસરમાં રથયાત્રા કાઢવામાં આવી હતી. બાદ મટકી ફોડ, સાંજે મહાઆરતીમાં સર્વ ગ્રામજનો જોડાયા હતા. રાપર તા.ના ખેંગારપરમાં રામદેવ મિત્રમંડળ તથા ગામ દ્વારા શોભાયાત્રા તેમજ મટકીફોડનું આયોજન કરાયું હતું. તો દિવસના દાંડિયારાસ યોજાયા હતા. મટકી ફોડનો ચડાવો અને દાંડિયારાસની ઘોર તથા ગ્રામજનો દ્વારા અપાયેલી રકમ ગામની ગાયોના ઘાસચારા માટે વાપરવામાં આવશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer