અંજારવાસીઓ રખડતા ઢોરોથી પરેશાન

અંજારવાસીઓ રખડતા ઢોરોથી પરેશાન
અંજાર, તા. 25 : શહેરમાં રખડતા ઢારોની સમસ્યા દિવસો દિવસ વધતાં લોકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. નગરપાલિકાનો વહીવટ દિવસે ને દિવસે કથળતો જાય છે, તમામ મોરચે અંજાર સુધરાઇ તદન નિષ્ફળ નીવડી છે. શહેરમાં સુધરાઇ દ્વારા કરાતા વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની બૂમ છે તો કયાંક પ્રાથમિક જરૂરિયાતો જેવી કે પીવાના પાણી અને ગટરની સુવિધામાં ફરિયાદોના ઢગલા સુધરાઇના ચોપડે મંડાયેલા હોવા છતાંય તેનો કોઇ યોગ્ય નિકાલ કરાતો નથી, તદઉપરાંત સુધરાઇના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેનો મતભેદ અવાર નવાર રાજકારણીઓ અને શહેરીજનો માટે ચર્ચાનો વિષય બનતો હોય છે. છેલ્લા કેટલાય સમયથી શહેરના જાહેર રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરતા ઢોરોની સમસ્યા એ માજા મૂકી છે. જેના લીધે શહેરીજનો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં એવા કેટલાય બનાવો બન્યા જેમાં ઢોરના હુમલાઓ વડે શહેરીજનો ઘવાયા છે તેમજ અમુક લોકોને પોતાના જીવથી જ હાથ ધોવો પડયો છે. છતાંય સુધરાઇના સત્તાધીશો આ બાબત પ્રત્યે હજુય બેદરકારી ભર્યું વર્તન દાખવી રહ્યા છે. અનેક વખત ઉગ્ર રજૂઆતો છતાંય કોઇ ફેર નથી પડયો. ભૂતકાળમાં વિપક્ષ દ્વારા નગરપાલિકાની કચેરીમાં જ ઢોરોને ખૂલા મૂકીને સત્તાધીશોની આંખો ઉઘાડવાનો  પ્રયાસ કરાયો હતો ત્યારે સત્તાપક્ષના નેતા દ્વારા ધરપત અપાઇ હતી કે આ સમસ્યાનો સમય રહેતાં યોગ્ય નિકાલ કરાશે, પણ તેવું થયું નથી. શહેરના મુખ્ય રસ્તા ગંગાનાકા, સવાસર નાકા, બસ સ્ટેશન રોડ, ગંગા બજાર જેવા ભીડભાડ વાળા વિસ્તારોમાં અવારનવાર આખલા યુદ્ધ લોકોની નજરે ચડતા જ રહે છે પરંતુ સુધરાઇના સત્તાધીશોની નજરે કેમ નથી ચડતા એ સંશોધનનો વિષય છે. તાજેતરમાં જ રામકૃષ્ણ મહાવીર નગર સોસાયટીમાં યુવક ભરતભાઇ માતંગને ચાલુ બાઇકે આખલાએ શીંગડા ભરાવતાં પડી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સાત ટાંકા લેવા પડયા ઉપરાંત એક આધેડ વયની મુસ્લિમ મહિલાને આખલાએ ધકકો મારતાં સારવાર અર્થે ભુજ ખસેડાયા  હતા. સુધરાઇના ત્રણ ત્રણ પ્રમુખો બદલ્યા છતાંય ઢોરોની સમસસ્યા ઠેરની ઠેર જ છે. ત્યારે આ સમસ્યા કયારે ઉકેલાશે તેવો સવાલ ઊઠયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer