સ્ટોક્સની લડાયક સદીથી ઇંગ્લેન્ડની 1 વિકેટે જીત

લીડસ તા. 25 : ઓલરાઉન્ડર બેન સ્ટોકસની ક્રિકેટ ઇતિહાસની એક અદભુત અને ઐતિહાસિક સદીની સહારે ત્રીજી એશિઝ ટેસ્ટમાં દિલધડક રસાકસી બાદ ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડનો 1 વિકેટે રોમાંચક વિજય થયો હતો. આથી પ મેચની શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઇ છે. સ્ટોકસે વર્લ્ડ કપની ફાઇનલ જેવી વધુ એક યાદગાર ઇનિંગ્સ રમી હતી. તે 219 દડામાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાથી મેચ વિજયી 13પ રને અણનમ રહ્યો હતો. તેણે પૂંછડિયા  બેટ્સમેન જેક લિચ સાથે આખરી વિકેટમાં 10.2 ઓવરમાં 76 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાના હોઠે આવેલો વિજયી પ્યાલો ઝૂંટવી લીધો હતો. ઇંગ્લેન્ડને જીત માટે 3પ9 રનનું પડકારરૂપ વિજય લક્ષ્યાંક મળ્યું હતું જે તેણે 9 વિકેટે 362 રન કરીને પાર પાડયું હતું.આખરી તબક્કે જ્યારે ઇંગ્લેન્ડને જીત માટે બે રનની જરૂર હતી ત્યારે ઓસિ બોલર લિયોને લિચને રનઆઉટ કરવાનો આસાન મોકો ગુમાવ્યો હતો. આ પછી લિયોનની બોલિંગમાં સ્ટોકસ એલબીડબ્લ્યૂ આઉટ હતો, પણ ઇંગ્લેન્ડ પાસે રિવ્યૂ બચ્યો ન હતો. ઇંગ્લેન્ડે આ ઘટના પહેલાની આગલી ઓવરમાં જ ખરાબ રિવ્યૂ લઇને મોકો ગુમાવ્યો હતો. લિચ 17 દડામાં 1 રને અણનમ રહ્યો હતો. ઇંગ્લેન્ડે 12પ.4 ઓવરમાં 9 વિકેટે 362 રન કરીને યાદગાર જીત મેળવી હતી. ઇંગ્લેન્ડ તરફથી સુકાની જો રૂટે 77, ડેનલીએ પ0 રનની ઇનિંગ્સ રમી હતી. આ પહેલાં ગઇકાલે ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં 7પ.2 ઓવરમાં 246 રન થયા હતા. જેમાં લાબુશેનેના સૌથી વધુ 80 રન હતા. ઇંગ્લેન્ડ તરફથી સ્ટોકસે 3 અને બ્રોડ-આર્ચરે 2-2 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં 179 રન થયા હતા. જવાબમાં ઇંગ્લેન્ડનો પહેલા દાવમાં માત્ર 67 રનમાં ધબડકો થયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer