ગાંધીધામ રેલવે સ્ટેશન આઈ.એસ.ઓ. પ્રમાણિત બન્યું

ગાંધીધામ, તા.25 : તાજેતરમાં દેશભરના રેલવે સ્ટેશનોમાં સુંદર રેલવે સ્ટેશનોની સ્પર્ધામાં ત્રીજો ક્રમ અને સ્વચ્છતાના સર્વેક્ષણમાં દેશભરમાં પ્રથમ ક્રમ હાંસલ કરનારા અમદાવાદ ડિવિઝનના ગાંધીધામ રેલવે સ્ટેશનને આઈ.એસ.ઓ. પ્રમાણપત્ર એનાયત કરવામાં આવતા કચ્છના રેલવે પ્રશાસનની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. સમગ્ર રાજ્યના રેલવે મથકો પૈકી આ પ્રમાણપત્ર ધરાવનાર ગાંધીધામ ત્રીજુ રેલવે સ્ટેશન બન્યું છે. રેલવેના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ દેશભરના રેલવે સ્ટેશનોમાં પર્યાવરણ જાળવણી વ્યવસ્થાપન સંદર્ભે આઈ.એસ.ઓ. પ્રમાણપત્ર મેળવવા માટેનો સર્વે હાથ ધરાયો છે.  આ અંતર્ગત સમગ્ર પશ્ચિમ રેલવેના આર્થિક ઉપાર્જનમાં મહતત્ત્વનું યોગદાન આપતા ગાંધીધામ રેલવે સ્ટેશન પરિસરમાં પણ  આઈ.એસ.ઓ.ની ટીમ દ્વારા તાજેતરમાં સર્વે કરવામાં આવ્યો હતો.  ટીમ દ્વારા રેલવે સ્ટેશન પરિસરમાં પ્રવાસીઓ માટેની સુવિધાઓ, ટિકિટ બુકિંગ, રિટાયરિંગ રૂમોનું  વ્યવસ્થાપન, વેઈટિંગરૂમ, પાર્સલ, લગેજ હેન્ડલિંગ સર્વિસ, સ્ટેશનની સ્વચ્છતા, ગટર વ્યવસ્થા, સ્ટેશન પરિસરમાં પાણી વિતરણ, પાણીની સંગ્રહક્ષમતા, પાણીની ગુંણવતા, લાઈટિંગની વ્યવસ્થા, સ્ટેશન પરિસરની હવા સહિતની બાબતોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ તમામ માપદંડોના આધારે સ્ટેશનને આઈ.એસ.ઓ. 14001:2015 સર્ટિફિકેટ ગત તા. 22 ઓગસ્ટના જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રમાણપત્ર  આગામી 21-8-2022 સુધી માન્ય રહેશે. બીજો સર્વે આગામી તા. 22-7-2021માં કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એ-વન કેટેગરીના અમદાવાદ અને વડોદરા રેલવે સ્ટેશનને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. રાજ્યના એ. કેટેગરીના સ્ટેશનોમાં આ પ્રમાણપત્ર મેળવનાર ગાંધીધામ પ્રથમ અને રાજ્યનું ત્રીજુ રેલવે સ્ટેશન બન્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer