ભુજમાં શટર તોડી દુકાનમાંથી દોઢેક લાખની ચોરી

ભુજ, તા. 25 : શહેરમાં ભીડનાકાથી સોનાપુરી થઇને સુરલભિટ્ટ તરફ જતા માર્ગ ઉપર ડી.એકસ. મોબાઇલ ઝોન નામની દુકાનનું શટર તોડીને ગત રાત્રિ દરમ્યાન તેમાંથી રૂા. દોઢેક લાખની માલમતા ચોરી જવાઇ હતી. કોઇ કારણોસર આજે રાત્રિ સુધીમાં આ ઘટના વિશે હજુ પોલીસ ફરિયાદ વિધિવત રીતે નોંધાઇ નથી.બહાર આવેલી વિગતો અનુસાર યતિમખાનાની સામે આવેલી આ દુકાનનાં શટરની નીચેની પટ્ટી તોડીને કાઢી નાખવા સાથે શટર ઊંચું કરાયું હતું. આ રીતે દુકાનમાં પ્રવેશેલા કોઇ હરામખોરો નવા-જૂના સંખ્યાબંધ મોબાઇલ અને રૂા. પાંચેક હજાર રોકડા મળી કુલ્લ રૂા. દોઢેક લાખની માલમતા તફડાવી ગયા હતા. આજે સવારે દુકાનમાલિક નિઝામુદ્દીન સાલેમામદ કુંભાર તેમની દુકાને પહોંચ્યા ત્યારે તેમને ચોરીની જાણ થઇ હતી. બનાવનાં પગલે પોલીસને જાણ કરાતાં પોલીસ ટુકડી પણ સ્થાનિકે આવી હતી, પણ બાદમાં કોઇ કારણોસર આજે રાત્રિ સુધીમાં બનાવ વિશે હજુ વિધિવત રીતે ગુનો દાખલ થયો નથી, તેવું પોલીસ મથકેથી જાણવા મળ્યું હતું.  દરમ્યાન બનાવનાં પગલે રાજકીય-સામાજિક આગેવાન અનવરભાઇ નોડે  બનાવના સ્થળે પહોંચ્યા બાદ ભોગ બનનારા વેપારીને મદદરૂપ બન્યા હતા. તો દુકાનમાંથી મોટી તસ્કરી થયાના સમાચાર ફેલાતાં બનાવના સ્થળે લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer