રાપરમાં મોર્નિંગ વોક માટે નીકળેલા મહિલાના ગળામાંથી ચેઇન ખેંચાઇ

ગાંધીધામ, તા. 25 : રાપરના આંબેડકર માર્ગ, પટેલ કન્યા છાત્રાલય નજીક મોર્નિંગ વોકમાં નીકળેલા  એક આધેડ મહિલા પાસેથી રૂા. 60,000ની સોનાની ચેઇનની ચીલઝડપ કરી બે શખ્સો નાસી ગયા હતા. વહેલી સવારના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. વન વિભાગમાંથી નિવૃત્ત એવા મેમાભાઇ જોગાભાઇ ચૌહાણ રાપરના આંબેડકર માર્ગ પટેલ કન્યા છાત્રાલયની બાજુમાં રહે છે. તેમનાં પત્ની ભીનાબેન દરરોજની જેમ આજે સવારે પણ મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. આ આધેડ મહિલા દરરોજ દેના બેંક ચોક સુધી વોકમાં જતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. દરમ્યાન આજે તેઓ બાયપાસ ગુરુકુળ રસ્તા સુધી ચાલીને ત્યાંથી પરત પોતાના ઘર બાજુ જઇ રહ્યા હતા ત્યારે ખોડિયાર પ્રોવિઝન નામની દુકાન પાસે આ બનાવ બન્યો હતો. એક ગ્રે રંગની સ્વિફટ કાર અચાનક આ મહિલા પાસે આવી ઊભી રહી હતી, જેમાંથી એક શખ્સ બહાર નીકળ્યો હતો. જ્યારે એક શખ્સ અંદર જ બેઠો હતો. બહાર આવેલા શખ્સે મહિલાના ગળામાં હાથ નાખી તેમણે પહેરેલી રૂા. 60,000ની સોનાની ચેઇનની ચીલ ઝડપ કરી આ બન્ને શખ્સો નાસી ગયા હતા. કારમાંથી બહાર આવેલો શખ્સ આશરે 25 વર્ષનો તથા તેણે કાળું શર્ટ અને બ્લૂ પેન્ટ પહેર્યું હતું તથા તે મધ્યમ બાંધાનો હોવાનું બહાર આવ્યું હતું. આ કાર સીસી ટીવી  કેમેરામાં કેદ થઇ ગઇ હતી, રાપરમાં હાલમાં થઇ રહેલી ચોરી, ચીલ ઝડપના બનાવોથી ભારે ચકચાર અને લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી માંગ પણ ઊઠી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer