બેન્ક પાસે ગિરવે પડેલો પ્લોટ એકવાર વેચ્યા બાદ છોડાવ્યા વગર બીજાને વેચાયો

ભુજ, તા. 25 : શહેરમાં બેન્કર્સ કોલોનીમાં આવેલો અને બેન્ક પાસે ગિરવે પડેલો કિંમતી પ્લોટ એક વ્યકિતને વેચાણે આપ્યા બાદ આ જ પ્લોટ અન્ય વ્યકિતને વેચાણે આપીને ઉચાપત અને ઠગાઇ કરવા બાબતે ભુજના નીતિન વસંતલાલ કેશવાણી અને તેના પત્ની હેમાલીબેન સામે વિવિધ કલમો તળે ફોજદારી ગુનો દાખલ કરાવાયો હતો.  ગત તા. 18મી ડિસેમ્બર 2017 બાદના સમયગાળામાં બનેલી આ ઘટના બાબતે ગાંધીધામ પાસેના અંતરજાળના રહેવાસી એવા પ્રશાંત હસમુખભાઇ ગોરે ગઇકાલે અત્રેના એ. ડિવિઝન પોલીસ મથકમાં શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા અને શહેરની બે જાણીતી ખાનગી શાળામાં ડાયરેકટર તરીકે સેવા આપતા જમીનના ધંધાર્થી નીતિન કેશવાણી અને તેના પત્ની  સામે આ ફોજદારી દાખલ કરાવી હતી. પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર ટી.એચ.પટેલે કેસની તપાસ હાથ ધરી છે.  ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે કેસના ફરિયાદી પ્રશાંત ગોરના ભાઇ દીપક ગોર સાથે ભુજમાં બેન્કર્સ કોલોનીમાં આવેલા પ્લોટ નંબર 36/1નો સોદો થયો હતો. સાડા તેંત્રીસ લાખ રૂપિયામાં થયેલા આ સોદાનું લખાણ પણ 50-50 રૂપિયાના બે સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરી અપાયું હતું. તો આ સોદા પેટે રૂા. 50-50 હજારના બે ચેક યુકો બેન્ક ગાંધીધામ શાખાના અપાયા હતા.  દરમ્યાન પ્લોટની કિંમતના બાકીના રૂા. 32.50 લાખ જ્યારે ગાંધીધામ સ્થિત આઇ.સી.આઇ.સી. બેન્ક પાસે ગિરવે પડેલો આ પ્લોટ છોડાવી લઇને દસ્તાવેજ કરી અપાય ત્યારે ચૂકવવાના તેવું નકકી થયું હતું. પરન્તું બેન્કનું ધિરાણ કલીયર કરાવ્યા વગર જ આ પ્લોટ નખત્રાણાના પરેશ મણિલાલ સોનીને રૂા. 4.90 લાખમાં વેચાણે આપીને તેમને દસ્તાવેજ કરી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરાયા હતા તેવું ફરિયાદમાં લખાવાયું છે.  પ્લોટનો સોદો જેમની સાથે કરાયો હતો તે દીપકભાઇને હિસ્ટેરીકલ કન્વર્જન ડીસઓર્ડર અર્થાત અવારનવાર દિવસો સુધી બોલવાનું બંધ થઇ જાય તેવી બીમારી છે. પ્લોટનો સોદો કર્યા બાદ દીપકભાઇને આ બીમારીનો હુમલો થતાં તેમનું બોલવાનું બંધ થઇ ગયું હતું. આ બીમારીમાં સારૂં થઇ જશે તેવી આશાએ દિવસો ખેંચ્યા બાદ સ્થિતિ ન સુધરતાં સમગ્ર બનાવથી વાકેફ એવા દીપકભાઇના ભાઇ પ્રશાંતભાઇ દ્વારા અંતે આ ફરિયાદ નોંધાવાઇ હતી.  શિક્ષણ જેવા વ્યવસાય સાથે સંકળાયેલી વ્યકિત સામે આર્થિક ઉચાપત અને છેતરપિંડીના મામલે થયેલી આ એક વધુ ફરિયાદ થકી ચકચાર જાગી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer