ગાંધીધામમાં કારમાંથી 45 હજાર રોકડા ચોરાયા : અંબલિયારામાં હિટાચીના 1.60 લાખના પૂર્જાની ચોરી

ગાંધીધામ, તા. 25 : શહેરના ઓસ્લો સર્કલથી ગુરુકુળ રોડ વચ્ચે એક કારમાંથી કોઇ શખ્સે ચાલકની નજર ચૂકવી રોકડ રૂા. 45,000ની ચોરી કરી હતી. બીજીબાજુ ભચાઉ તાલુકાના આંબલિયારામાં હિટાચી મશીનમાંથી રૂા. 1,60,000ના સ્પેર પાર્ટસની કોઇ શખ્સોએ તસ્કરી કરી હતી તેમજ ગાંધીધામમાં મહારાજા પાઉંભાજીની દુકાનમાંથી રોકડ રૂા. 45,000ની તફડંચી થઇ હતી, જેમાં પોલીસે એક શખ્સની અટક કરી રોકડ રકમ જપ્ત કરી હતી. શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેનારા વસંત શંકરલાલ ઠક્કર ગાંધી માર્કેટ પાસે બાવાજી એન્ટરપ્રાઇઝ નામની ફાયનાન્સ પેઢી ચલાવે છે. આ આધેડ ગત 28/8ના સમી સાંજે કાર નંબર જી.જે. 12-ડી.એ. 6968 લઇને પોતાના ઘર બાજુ જઇ રહ્યા હતા ત્યારે ઓસ્લો સર્કલ પાસે પાછળથી એક વાહન અડી ગયું હતું. દરમ્યાન આધેડ આગળ જતાં ગુરુકુળ બાજુ જવાના રસ્તે વળાંક લેતાં એક્ટિવા પર સવાર અને હેલ્મેટ પહેરેલા શખ્સે તેમની કાર રોકાવી હતી અને અકસ્માત બાબતે મગજમારી કરી હતી. તેવામાં તેમની કારમાં રાખેલા રોકડા રૂા. 45,000 તથા ચેક અને હિસાબના ચોપડા જે થેલામાં હતા તે થેલાની કોઇએ ચોરી કરી હતી. પોલીસ મથકે એક્ટિવાચાલકને શકદાર તરીકે બતાવાયો છે. બીજી ચોરીનો બનાવ આંબલિયારામાં સંતરામ સોલ્ટ નામના મીઠાના કારખાના પાસે બન્યો હતો. આ કારખાનામાં ચાલતું હિટાચી મશીન વીરના કારણે ત્યાં જ રાખી દેવામાં આવ્યું હતું. દરમ્યાન કોઇ શખ્સે આ મશીનનો આગળનો મુખ્ય કાચ તોડી અંદર ઘૂસી અંદરથી અલ્ટરનેટર, ડાયનામુ, ડીઝલ ટાંકીનું લોક, ડીઝલ વગેરે મળીને કુલ્લ રૂા. 1,60,000ની મતાની ચોરી કરીને તસ્કરો નાસી ગયા હતા. ચોરીના આ બનાવ અંગે યશપાલસિંહ અજિતસિંહ વાઘેલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચોરીનો ત્રીજો બનાવ ગાંધીધામની જૂની કોર્ટ નજીક સોની સમાજવાડી સામે આવેલા મહારાજા પાઉંભાજી રેસ્ટોરેન્ટમાં બન્યો હતો. આ દુકાનનાં તાળાં તોડી શટર ઊંચું કરી  ટેબલના કાઉન્ટરમાં રાખેલા રોકડા રૂા. 45,000ની તસ્કરોએ ચોરી કરી હતી. આ અંગે રોહિત ચંદ્રકાન્ત રાજગોરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સી.સી. ટી.વી. કેમેરાના આધારે પોલીસે મૂળ રાજસ્થાનના અનિલ ભૂરા મીણાની ધરપકડ કરી હતી. આ શખ્સ આ રેસ્ટોરેન્ટમાં જ કામ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેની પાસેથી રોકડ રૂા. 45,370 જપ્ત કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer