ભુજમાં જ્યારે પતિએ છટકું ગોઠવી પત્ની અને `વો''નો ભાંડો ફોડી નાખ્યો

ભુજ, તા. 25 : આ શહેરમાં મધ્યમ વર્ગના અને નોકરિયાત વર્ગના લોકોના જ્યાં રહેણાકના સ્થાન આવેલા છે તેવી સરકારી રાહે બનેલી કોલોનીમાં સભ્ય સમાજની સભ્યતાને હાનિ પહેંચાડે તેવી વ્યભિચારની ઘટના ઝડપાતાં ભારે ચકચાર જાગી છે. સમગ્ર કિસ્સામાં નોંધપાત્ર બાબત એ સપાટીએ આવી છે કે, પત્નીના પરપુરુષ સાથેના સંગાથ અને સંવનન થકી ત્રસ્ત બનેલા પતિએ છટકું ગોઠવીને પત્ની અને `વો'નો પર્દાફાશ કર્યો હતો. શહેરમાં રાવલવાડી રિલોકેશન સાઇટ તરફ જતા માર્ગ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત શ્યામજી કૃષ્ણ વર્મા હાઇટ્સ સોસાયટીમાં ગઇકાલે જન્માષ્ટમીના આ કિસ્સો બન્યો હતો. બનાવના પગલે રહેવાસીઓ અને અન્ય લોકોનાં ટોળાં એકત્ર થઇ જવા સાથે એક તબક્કે સમગ્ર મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો, પરંતુ ઉભયપક્ષો વચ્ચેની ચર્ચા અને વાટાઘાટો બાદ ઘીના ઠામમાં ઘી નાખી દેવા સાથે પ્રકરણ દફતરે ચડતું અટકાવાયું હતું. માહિતગાર સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર પરિણીત યુવતીના ઘરમાં મૂળ પરપ્રાંતીય એવા શખ્સની અવરજવર છેલ્લા કેટલાક સમયથી વધી પડી હતી. આ બાબતે આસપાસમાં રહેતા લોકોમાં અંદરોઅંદર ગણગણાટ પ્રવર્તી રહ્યો હતો, તો ઘટનાથી વાકેફ પરિણીતાનો પતિ પણ વ્યગ્ર અને વ્યથિત હતો. આ પરિસ્થિતિ વચ્ચે ખુદ પતિએ ગઇકાલે બપોરે છટકું ગોઠવીને પત્ની અને વોને ઝડપી પાડવા સાથે તેમનો ભાંડો ફોડી નાખ્યો હતો.  સમગ્ર પ્રકરણમાં ગંભીર પરિમાણ એ સપાટીએ આવ્યું હતું કે પરિણીતાના ઘરેથી પકડાયેલા પરપ્રાંતીય શખ્સનું અન્ય જગ્યાએ પણ લફડું હોવાથી તે મહિલા પણ પોલીસ મથકે આવી ચડી હતી. આ મહિલાએ સંબંધ દરમ્યાન આ શખ્સે પોતાની પાસેથી ઘણી માલમતા પડાવી હોવાનો આક્રોશ પણ વ્યકત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાઉસિંગ બોર્ડે બનાવેલી આ કોલોની છેલ્લા કેટલાક સમયથી મકાન ભાડે આપવા અને પાણી ન આવવા સહિતના મુદ્દે ચર્ચામાં રહેતી આવી છે અને ચમકતી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer