સણવામાં ખેતર બળજબરીથી ખેડી નખાતાં ત્રસ્ત ખેડૂતે ઝેરી દવા પીધી

ગાંધીધામ, તા. 25 : રાપર તાલુકાના સણવા ગામમાં એક આધેડનું અમુક શખ્સોએ ખેતર ખેડી નાખતાં તેનું લાગી આવતાં આધેડે ઝેરી દવા પી લીધી હતી. આ ખેડૂતને સારવાર હેઠળ રખાયા છે. બીજી બાજુ પદમપરમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી ચાર શખ્સોએ એક યુવાન ઉપર પાઈપ, લાકડી વડે હુમલો કર્યો હતો. સણવા ગામમાં રહેતા અનુસૂચિત જાતિના માવજી મનજી ચૌહાણ અને તેમનો પરિવાર ખેતરમાં હતા. આ પરિવાર એરંડાની નિંદણનું કામ કરી રહ્યો હતો ત્યારે અબ્દુલ ઓસમાણ નારેજા, ભચુ આમદ નારેજા અને અન્ય પાંચ ઈસમો ત્યાં આવ્યા હતા. આ ઈસમોએ કામ બંધ કરવાનું કહી આ ખેતર અમારું છે, અમારે તેમાં વાવણી કરવી છે તેવું કહેતાં ફરિયાદીએ 1996માં જુસબ મામદ નારેજા પાસેથી આ ખેતર લીધું હોવાનું કહેતાં આ ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને ટ્રેક્ટર વડે એરંડા કાઢી નાખ્યા હતા. બાદમાં આ પરિવાર પોતાના ઘરે હતો ત્યારે દેવરાજ કારા પટેલ, નથુ નારાણ મઢવી તથા અન્ય બે શખ્સો આ ખેડૂતના ઘરે આવ્યા હતા અને ખેતર ખાલી કરી નાખજે, મકાન ખાલી કરી નાખજે તેવું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આવી ધમકીઓ અને પોતાના પાકને નુકસાન થતાં આધેડને લાગી આવતાં તેમણે ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. તે સારવાર હેઠળ હોવાનું પોલીસે કહ્યું હતું. આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજીબાજુ પદમપર ગામના તળાવ પાસે મારામારીનો બનાવ બન્યો હતો. ધીરૂ ખીમજી રજપૂત (સોઢા) આ જગ્યાએ હતો ત્યારે મનજી અરજણ કોળી, ભરત અરજણ કોળી, દિનેશ અરજણ, પ્રવીણ જેરામ કોળી નામના શખ્સો ત્યાં આવ્યા હતા અને અગાઉ ગાળો કેમ આપી હતી તેમ કહી આ યુવાન ઉપર લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરતાં તેને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો. આ ચારેય શખ્સો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer