વીર અબડા અડભંગનો શહાદત દિન વંશજો દ્વારા વીરપૂજા સાથે ઊજવાયો

નલિયા, તા. 25 : અબડાસા તાલુકો જેના નામથી ઓળખાય છે એવા વીર અબડા અડભંગ (જખરાજી જામ)નો 719મો શહાદત દિવસ તેમના વંશજો દ્વારા ઊજવવામાં આવ્યો હતો. ચાલુ વરસે સારો વરસાદ થતાં રામપર (અબડા)ની નદી બે કાંઠે વહેતાં પાણીમાં ઘૂંટણસમાં નીરમાંથી પગે ચાલીને તેમના વંશજો દ્વારા આ શહાદત દિવસ ઊજવવામાં આવ્યો હતો. સવારે વીરપૂજા તેમજ હોમાત્મક હવન તેમજ અન્ય ધાર્મિક વિધિ કરાઇ હતી.  આ પ્રસંગે રાજકોટથી આવેલા જામ રણજિતસિંહે જણાવ્યું કે આ ઇતિહાસને આજે 719 વર્ષ થયા છતાં એમનો ઇતિહાસ જીવંત છે તે માટે અબડા અડભંગના કરેલા કાર્યોમાંથી આપણે પ્રેરણા લેવાની છે. રતનજી અબડાએ કવિ કારાણી લિખિત કચ્છી સંઘર રજૂ કરી હતી. લાખાજી અબડા (જખૌ સરપંચ) તેમજ વિવિધ અબડા સમાજના લોકો જોડાયા હતા. આ વર્ષે મેઘરાજાએ કૃપા કરી તે બદલ  દુઆ ગુજારાઇ હતી. કાર્યક્રમનું સંચાલન સતુભાએ કર્યું હતું વ્યવસ્થા અબડા અડભંગના પૂજારી શંકર દેરૂએ સંભાળી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer