મુંદરામાં અભૂતપૂર્વ માનવ સૈલાબની ઉપસ્થિતિમાં 45 મટકીફોડની ઉજવણી

મુંદરા, તા. 25 : કાળિયા ઠાકરની જન્માષ્ટમી બંદરીય નગર મુંદરામાં અભૂતપૂર્વ માનવ સૈલાબની ઉપસ્થિતિ વચ્ચે ધામધૂમથી ઊજવાઇ હતી. છેલ્લા 32 વર્ષથી ઉજવણી કરતા યુવા નુક્કડ ગ્રુપ દ્વારા ખારવા ચોક સ્થિત નૃસંગજી મંદિરેથી ગોવિંદા આલાની શોભાયાત્રામાં વિવિધ?ટોળકીઓ સાથે નગરના વિવિધ?વિસ્તારોમાં બાંધવામાં આવેલી 45થી વધુ મટકીઓ ફોડીને ઉજવણી કરાઇ હતી. નગરના તમામ વર્ગ, જ્ઞાતિ, સમાજના લોકો તેમજ અન્ય વિસ્તારોમાંથી કામ-ધંધા અર્થે મુંદરા આવેલા લોકો પણ જોડાતાં રસ્તાઓ ઉપર માનવ સૈલાબ ઊમટી પડયો હતો. ઠેકઠેકાણે સુશોભિત કમાનો, ભગવાન કૃષ્ણના જીવનની ઝાંખી કરાવતા કટઆઉટો, મુખ્યમાર્ગો?ઉપરના ધજા-પતાકા, વિશાળ બેનરો અને ભવ્ય લાઇટ ડેકોરેશનથી સુશોભિત મુંદરા નગર ગોકુલ-મથુરા કે વૃંદાવનમાં ફેરવાઇ ગયું હતું. ઘોડેસવારો, ઘોડા સાથેની બગી, સ્વાલી ઢોલ, ડી.જે. સાઉન્ડ, ભજન મંડળી અને રથ સાથેની શોભાયાત્રામાં નાસિક ઢોલ, શરણાઇ વગેરે જોડાતાં સરઘસ પાંચ કલાકના અંતે તેના નિર્ધારિત કોટેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યું હતું. જવાહર ચોક સ્થિત સમાપનના કાર્યક્રમમાં સુશોભિત મટકી ફોડતાં પ્રથમ નંબરે મ.ક.સ.સુ. દરજી જ્ઞાતિની મટકીને ઉપરાંત દ્વિતીય નંબરે આવેલી તેરછી ચકલા દ્વારિકાધીશ મટકી અને તૃતીય ક્રમે શિવ ક્લબની મટકી ઉપરાંત મારૂ કંસારા મિત્રમંડળની મટકીને આગેવાનોના હસ્તે ઇનામો અપાયાં હતાં. ઉપરાંત નગરના મુખ્ય માર્ગ ઉપર શિવબાલક ગ્રુપની `નાગદમણ' અને શિવ ક્લબની `સમુદ્રમંથન' કૃતિને ઇનામો અપાયાં હતાં. રાત્રે ખારવા ચોકના જીન પ્લોટ ઉપર વડનગરા નાગર જ્ઞાતિ ભુજના કલાકારો સાથે પંકજ ઝાલા પ્રસ્તુત `મહેતા તણું મામેરું' સંગીતમય નાટય રૂપાંતર રજૂ થયું હતું, જેણે લોકોની ભારે દાદ મેળવી હતી. આ જ મંચ ઉપરથી મહોત્સવમાં સહયોગ આપનારા દાતાઓ યોગેશભાઇ ઠક્કર, મનોજભાઇ?કોટક અને અન્ય દાતાઓને સન્માનિત કરાયા હતા. અદાણી પોર્ટ એન્ડ સેઝના ફાયર બ્રિગેડની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને રાખી રોટરી, રોટરેક્ટ, લાયન્સ, ગ્રા.પં. અને નુક્કડ ગ્રુપ વતી ફાયર બ્રિગેડની ટીમને સન્માનિત કરાઇ હતી. સંચાલન ધર્મેન્દ્ર જેસરે કર્યું હતું. વાસુદેવ સાથેની નંદ ઘેર આનંદ ભયો...ના સૂત્રોચ્ચાર કરતી ટોળકી પારેખ? શેરી સ્થિત પન્નાલાલજીની હવેલીએ પહોંચી અને 12 વાગ્યે શંખનાદ થતાંની સાથે હવેલીના કપાટ ખૂલતાં કૃષ્ણજન્મની વધામણી મળતાં ઓછવની ઉજવણી ભાવવાહી બની ગઇ હતી. ભક્તિના ઘોડાપૂરમાં આબાલ-વૃદ્ધ સૌ તણાયા હતા. શ્રીનાથજીની હવેલી, રાધા-દામોદરજીની હવેલી ઉપરાંત કૃષ્ણજન્મ સમયના યમુનાજી અને ભારે વરસાદનું ભાવવાહી દ્રશ્ય ગુંસાઇજીની હવેલીમાં ખડું કરાયું હતું. ઉપરાંત મંદિરમાં કૃષ્ણજન્મનાં દર્શન કરવા મોડે સુધી ભીડ જામી હતી. આયોજનને ધારાશાત્રી પ્રવીણભાઇ ગણાત્રાએ નુક્કડ ગ્રુપ અને મુંદરા ગ્રા.પં.ને શુભેચ્છા પાઠવી હતી. નુક્કડ ગ્રુપ અને યુવા નુક્કડ ગ્રુપના તમામ કાર્યકરોએ છેલ્લા એક અઠવાડિયાથી જન્માષ્ટમી મહોત્સવની તૈયારી કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer