ગાંધીધામમાંથી રૂા. 1.23 લાખનો દારૂ મળ્યો પણ આરોપી છૂમંતર
ગાંધીધામ, તા. 23 : શહેરની જનતા કોલોની પાસે આવેલી ચામુંડાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એલ.સી.બી.એ છાપો મારી રૂા. 1,23,000નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો પરંતુ એકેય આરોપી પોલીસના હાથમાં આવ્યો નહોતો. શહેરની જનતા કોલોની નજીક આવેલા ચામુંડાનગર વિસ્તારમાં એલ.સી.બી.એ પૂર્વ બાતમીના આધારે છાપો માર્યો હતો. આ વિસ્તારમાં રહેતા હીરા વેલા રબારીની ઓરડીમાં દારૂ ઠલવાતો હતો ત્યારે પોલીસ ત્રાટકતાં આ હીરા વેલા રબારી, સ્કોર્પિયો કાર નંબર જીજે-16 -એપી-6943નો ચાલક તથા અન્ય એક અજાણ્યો શખ્સ એમ ત્રણ શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. દરમ્યાન આ કાર તથા ઓરડીમાં ઉતારેલો એમ કુલ 750 એમ.એલ.ની 300 બોટલ કિંમત રૂા. 1,23,000નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ ત્રણ તેમજ દારૂ મોકલનારા વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.સ્થાનિક ગુનાશોધક શામાં ફરજ ઉપર રાખતી વખતે કર્મચારીની દોડની કેવી ક્ષમતા છે વગેરે ચકાસણી કરીને આ ખાતામાં લેવામાં આવતા હોય છે છતાં અનેક દરોડાઓમાં આરોપી નાસી જતા હોવાથી અનેક તર્ક -વિતર્ક વહેતા થયા હતા. એલ.સી.બી.ના આ દરોડાના પગલે સ્થાનિક પોલીસના પેટમાં તેલ રેડાયું હતું અને સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. તો હવે આ વેળાએ કોની જવાબદારી બેસાડાય છે અને કોની વિકેટ પડે છે તે જોવાનું રહ્યું તેવી ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે.