ગાંધીધામ-આદિપુરના મુખ્ય માર્ગો પર સ્પીડબ્રેકર જરૂરી

આદિપુર, તા. 23 : ગાંધીધામ-આદિપુરના મુખ્ય માર્ગ ટાગોર રોડ, માતંગદેવ રોડ પર વારંવાર અકસ્માત થતા રહે છે તથા અનેક લોકો મૃત્યુ પામે છે. જેથી વ્યવસ્થિત સ્પીડબ્રેકર બનાવવા તથા જ્યાં ઝીબ્રા ક્રોસિંગના સફેદ પટ્ટા આવતા હોય ત્યાં પણ સત્વરે સ્પીડ બ્રેકર બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી.આ અંગે સામાજિક કાર્યકર દામજી અબચુંગે કરેલી રજૂઆત મુજબ ઉપરોક્ત માર્ગે રાત-દિવસ સતત ટ્રાફિક રહે છે. વાહનચાલકો પણ બેફામ ટુવ્હીલર તથા ફોરવ્હીલર વાહનો ચલાવી અવારનવાર અકસ્માતો કરતા હોવાથી મુખ્ય માર્ગો ટાગોર રોડના અમુક લેન્ડમાર્ક જેવા કે ઓસ્લો સર્કલ, ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે, જૂની કોર્ટ મેઈન રોડ, ટ્રાફિક બૂથ પાસે, જૂની સુંદરપુરી બસ સ્ટેશન, ડો. હોતચંદાણીના દવાખાના પાસે, રોટરી સર્કલ પાસે, તાલુકા પંચાયત કચેરી પાસે, આદિપુર બુઢા આશ્રમ પાસે, મુંદરા સર્કલ પાસે સ્પીડબ્રેકરની જરૂરિયાત છે. જી.ઈ.બી. ઓફિસ, આદિપુર એસ.ટી. બસ સ્ટેન્ડ, ઘોડા ચોકડી ચાર રસ્તા, માતંગદેવ રોડ પર જરૂરત પ્રમાણે સ્પીડ બ્રેકર બનાવવા આવશ્યક છે. હીરાલાલ પારખ સર્કલ સતત અવરજવરવાળો હાઈવે હોવાથી રોજિંદા અકસ્માતો થાય છે અને અનેક લોકોનાં મૃત્યુ થયાં છે. જો આવા માર્ગો પર જમ્પ બનાવવામાં આવે તો અકસ્માતોનું પ્રમાણ ઘટી શકે. અગાઉ અનેક વખત લેખિત-મૌખિક રજૂઆત છતાં દાદ નથી મળી, જેથી ઉપરોક્ત માર્ગે સત્વરે સ્પીડબ્રેકર બનાવાય તેવી માંગ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer