મુખ્યમંત્રીને કચ્છમાં મેઘલાડુ માટે આમંત્રણ

ભુજ, તા. 21 : કચ્છમાં આ વર્ષે મેઘમહેર થતાં ચોફેર ખુશીની લહેર પ્રસરી છે. ત્યારે કચ્છમાં મેઘ લાડુનું આમંત્રણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતો, ટ્રસ્ટીઓ તેમજ રાજકીય અગ્રણીઓએ પાઠવ્યું હતું. આ ઉપરાંત તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના આગામી કાર્યક્રમ માટે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ અપાયું હતું. ગાંધીનગર મધ્યે મુખ્યમંત્રી સમક્ષ પહોંચેલા આ મંડળે ચાલુ વર્ષે કચ્છની કપરી અછતની કામગીરી સુપેરે પાર પાડવા બદલ મંદિરના સંતો, ટ્રસ્ટીઓએ સરકાર અને વહીવટી તંત્રની પ્રશંસા કરી શ્રી રૂપાણીનું આ બદલ અભિવાદન કર્યું હતું. મંદિરના સંતોએ કચ્છી કણબી પરંપરાની પાઘડી મુખ્યમંત્રી વિજયભાઇને પહેરાવી હતી. આ પ્રસંગના પ્રતિનિધિ મંડળમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી, સુખદેવ સ્વામી, રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, મુંદરા-માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ ત્રિવેદી, સ્વામી મંદિરના ટ્રસ્ટીઓ જાદવજીભાઇ ગોરસિયા, રામજીભાઇ વેકરિયા, મૂળજીભાઇ શિયાણી, પ્રવીણભાઇ પિંડોરિયા, જિલ્લા ભાજપ મંત્રી હિતેશભાઇ ખંડોર, માંડવી તાલુકા ભાજપના મહામંત્રી રાજુભા જાડેજા, માંડવી એપીએમસીના ચેરમેન પ્રવીણભાઇ વેલાણી વિગેરે જોડાયા હતા. આ અવસરે સમસ્ત જૈન સમાજ માધાપર તથા કચ્છમિત્રના પ્રચાર-પ્રસાર દ્વારા ચાલતા તેરા તુજકો અર્પણ અંતર્ગત વૃક્ષમિત્ર-જળ શક્તિ અભિયાનના ભાગરૂપે આગામી સમયમાં કુનરિયા મધ્યે એક સાથે 50 હજાર વૃક્ષના મહા વૃક્ષારોપણના કાર્યક્રમ માટે અભિયાનના પ્રણેતા હિતેશભાઇ ખંડોરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આમંત્રણ પાઠવ્યું હતું.