અબડાસાના 165 ગામની જમીન પર વાવેતર શરૂ

અબડાસાના 165 ગામની જમીન પર વાવેતર શરૂ
સતીશ ઠક્કર દ્વારા-
નલિયા, તા. 21 : અબડાસા તાલુકામાં કુદરતે મહેર કરતાં ધરતીપુત્રોએ હળ જોતર્યા છે. લાંબા સમય પછી તાલુકાના સૂના સીમાડા ધબકતા થયા છે. દિવસ-રાત વાવણીનું કાર્ય ધમધોકાર ચાલી રહ્યું છે. 165 ગામની અઢી લાખ એકર જમીનમાં એકસાથે વાવેતર આરંભાયું છે. આ માટે 600થી વધુ ટ્રેક્ટર વાવણીકાર્યમાં પરોવાયાં છે. એકાદ મહિનો મોડો વરસાદ થવા છતાં ખેડૂતોએ ઉમંગથી રામમોલનું વાવેતર આરંભ્યું છે. વાવણીનું કાર્ય હજી ત્રણેક દિવસ સુધી ચાલશે.  જ્યાં જ્યાં અનરાધાર વરસાદ થઈ ગયો છે ત્યાંનો ખેડૂત પણ હવે ધીમે ધીમે કળ વળતાં ખેતરો સુધી પહોંચ્યો છે અને દુકાળના ઘા તાજા જ છે ત્યાં વાવણી પછી વરસેલા મેહે એક કારી ઘા માર્યો છે અને તેની કળ વળશે એને સમય લાગશે. તેરા અને આસપાસના ગામો કુણાઠિયા, કાળાતળાવ, રાયધણપર, લાખણિયા, હમીરપર, નાની-મોટી ધુફી સહિતના ગામોની સીમમાં પંદરેક હજાર એકર જમીનમાં મુખ્યત્વે તલ, મગ અને ગુવારનું વાવેતર કરાઈ રહ્યું છે. ટ્રેક્ટર દ્વારા થતા વાવેતર માટે પ્રતિ કલાકે રૂા. 500થી 600 ભાડેથી રાખી વાવેતર કરાઈ રહ્યું છે. આ વિસ્તારમાં 75 જેટલા ટ્રેક્ટર ખેડવાણ માટે રોકવામાં આવ્યા હોવાનું માજી સરપંચ આદમભાઈ લોધરાએ જણાવ્યું હતું. ગરડા વિસ્તારના ત્રીસેક ગામ વલસરા, ભોઆ, ફુલાય, નાની બેર, ઉકીર, પદ્ધરવાડી, વાગોઠ, વાયોર, સારંગવાડો વગેરે ગામોની પચ્ચીસેક હજાર એકર જમીનમાં મુખ્યત્વે તલ, મગ, એરંડાનું વાવેતર કરાય છે. તો ચારેક ગામમાં મગફળીનું વાવેતર પણ કરાયું છે. પણ ત્યાં શનિવારના ખાબકેલા અનરાધાર વરસાદે ખેલ બગાડયાનો ભય છે. જેમાં વલસરા, ભોઆ, ફુલાય, નાની બેરનો સમાવેશ થાય છે. બળદની જોડીથી વાવેતર કરવાની પરંપરા લુપ્ત થઈ છે, જેનું સ્થાન ટ્રેક્ટર જેવા યાંત્રિક સાધનોએ લીધું છે. અહીં સાઈઠ જેટલા ટ્રેક્ટર દિવસ-રાત વાવેતરમાં પરોવાયાં છે. પ્રતિ કલાકના રૂા. 600ના ભાડેથી ટ્રેક્ટર રોકવામાં આવે છે તેવું હરેશ રૂપારેલે જણાવ્યું હતું. ડુમરા વિસ્તારમાં પણ વાવણીનો ધમધમાટ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. અગ્રણી ચેતન ગોરના જણાવ્યાનુસાર ડુમરા વિસ્તારના ગામો લઠેડી, ડુમરા, નારાણપર, વરંડી, વિંઝાણ, રેલડિયા મંજલ, કોટાયા, કરોડિયા, રાયધણજર સહિતના ગામોમાં મુખ્યત્વે મગ, બાજરી, તલ, જુવારનું રામમોલના નામે વાવેતર આરંભાયું છે. દશેક હજાર એકર જમીનમાં આરંભાયેલું વાવેતર હજુ ત્રણ દિવસ ચાલશે. પ્રતિ કલાકના રૂા. 500ના ભાવથી 24 કલાક વાવણી ચાલુ છે. જખૌ વિસ્તારના ગામો જખૌ, દદામાપર, કુકડાઉ, દરાડવાંઢ, બુડિયા, જબરાવાંઢ, ભદુવાંઢ સહિતના ગામોની પાંચેક હજાર જમીન પર વાવેતર ધમધોકાર ચાલુ છે. જખૌ સરપંચ લાખાજી અબડાના જણાવ્યાનુસાર દદામાપરની સીમમાં મગફળી જ્યારે અન્ય ગામોમાં મગ, જુવાર, બાજરી, તલ, ગુવારનું રામમોલનું વાવેતર કરાઈ રહ્યું છે. સુથરી વિસ્તારના ગામો સુથરી ઉપરાંત બેરા, આધાપર સહિતની અંદાજે અઢી હજાર એકર જમીનમાં મુખ્યત્વે મગ, તલ, જુવાર, ગુવારનું વાવેતર કરાય છે. 550થી 600 રૂા.ના દરથી ટ્રેક્ટર ભાડે મળે છે. એકસાથે આખા તાલુકામાં વાવણીકાર્ય શરૂ થતાં ટ્રેક્ટરોની સંખ્યા ઓછી પડતાં ભુજ અને માંડવી તાલુકામાંથી પણ ટ્રેક્ટરો વાવણી માટે આવ્યાં છે. વરાડિયા, આમરવાંઢ, લાલા, પરજાઉ, વાડાપદ્ધર, રાપર (ગઢ), કડુલી સહિતના ગામોની સીમો પણ વાવણીના કાર્યથી દિવસ-રાત ધમધમી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer