મોટા અંગિયા ગ્રા.પં. ગટરનાં દૂષિત પાણી સાથે ઘાસ ઉગાડશે

મોટા અંગિયા ગ્રા.પં. ગટરનાં દૂષિત પાણી સાથે ઘાસ ઉગાડશે
મોટી વિરાણી, (તા. નખત્રણા), તા. 21 : કચ્છમાં વારંવાર પડતો દુષ્કાળ, ચારાની અછત અને માલધારીઓને સ્થાળાંતર કરવાનો વારો આવે છે, જેનું કારણ ખાસ તો માલધારીઓને જંગલમાં ઘાસ ન મળવાનું હોય છે. પણ મોટા અંગિયા ગ્રામ પંચાયતે આવા કપરા કાળમાં મૂંગા પશુઓ માટે ઘાસની તકલીફ ન રહે તે માટે નવી પદ્ધતિ અપનાવી છે અને એ છે બુલેટ નેપિયર ઘાસનું વાવેતર. ગામના સરપંચ ઈકબાલભાઈ ઘાંચી દ્વારા એક એવી પદ્ધતિથી ઘાસ ઉત્પન્ન કરવાની નેમ વ્યક્ત કરાઈ કે જેમાં ગટરનું વેસ્ટ વોટર પણ બેસ્ટ કાર્યમાં કામ આવે. જ્યારે પાણીનો ઘરવપરાશમાં વધારો થયો. આ પાણી ગટર મારફતે વેસ્ટ જાય, પણ અંગિયા ગ્રામ પંચાયતના સુકાની ઈકબાલભાઈની સૂઝબૂઝ દ્વારા આ ગટરનાં પાણીને ઉપયોગમાં લીધું છે.  પંચાયત દ્વારા ઘાસ સ્વાવલંબન માટે બુલેટ નેપિયર ઘાસનું વાવેતર કરવાની વિચારણા થઈ. ખેડૂતોની સલાહ બાદ આ પદ્ધતિ સફળ થાય તે માટે વ્યૂહ ઘડાયો અને પછી થયા આ નવા કાર્યના શ્રીગણેશ. શ્રી ઘાંચીએ કચ્છમિત્ર સાથે વાત કરતાં કહ્યું હતું કે, નેપિયર ઘાસ એક વીઘા જમીનમાં 60 દિવસોમાં 15 ટન ઉત્પાદન થશે, જેનું આંકડાકીય નિરીક્ષણ કરવામાં આવશે.  ખૂટતી પિયત વેસ્ટ વોટર એટલે ગટરના પાણીથી કરવામાં આવશે. આ પ્લાન પહેલાં ગૌચર જમીનમાં ઉજ્જડ ગાંડા બાવળ વચ્ચે હતો પણ તે ગૌચર જમીનમાં ગાંડો બાવળ દૂર કરી વાવેતર કરવામાં આવશે અને ભવિષ્યમાં ઘાસના ભંડારો ભરાશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer