ભારે વરસાદના લીધે ધોવાયેલા પાક માટે સહાય આપવા માંગ

ભારે વરસાદના લીધે ધોવાયેલા પાક માટે સહાય આપવા માંગ
સુથરી (તા. અબડાસા), તા. 21 : તાજેતરમાં કચ્છમાં પડેલા અતિ ભારે વરસાદનાં કારણે ખાસ કરીને અબડાસા તાલુકા સાથેસાથે કચ્છના ઘણા ખરા ગામડાઓમાં ખેતીવાડી કરતા ખેડૂતોએ પોતાના ખેતરમાં મગ, તલ, જુવાર, ગુવાર, મગફળી વગેરેના બિયારણોનું વાવેતર- રામમોલ કર્યું હતું. જેમાં ઘણાખરા ગામડાંના ખેડૂતોના બિયારણો ધોવાણ થઇ તણાઇ ગયા છે અને મોટું નુકસાન થયું છે. જેથી દરેક અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય-કેશ ડોલ્સ મળવી જરૂરી છે. સાથેસાથે અબડાસા તાલુકામાં મોટે પાયે કપાસનું વાવેતર થયું છે જેમાં પણ ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે કપાસના છોડ તદ્દન કાળા પડી જઇ નાશ પામ્યા છે. આ બાબતે પાક ધોવાણ અંગેનો સર્વે કરી નુકસાની અંગે સરકારના લાગતા-વળગતા વિભાગ, ખાતાઓમાં હુકમો કરવા માંગ કચ્છ જિલ્લા ખેડૂત સેવા ટ્રસ્ટે કરી છે. આ ટ્રસ્ટના ખેડૂતોની ફરિયાદ છે કે, ખેડૂતો પોતાની વીમાની રકમ બેંકમાં ભરે છે તેમ છતાં નુકસાની સમયે વીમા યોજનાનો કોઇપણ પ્રકારનો લાભ મળતો નથી. તો સરકાર આવી યોજનાઓ શા માટે બહાર પાડે   છે તેવો પ્રશ્ન પણ ટ્રસ્ટે જિલ્લા કલેકટરને લખાયેલા પત્રમાં ઉઠાવ્યો છે. સુથરીના અગ્રણીઓ, પ્રમુખ ડો. મહેશ્વરીએ જાતે મુલાકાત કરી  સુથરી-સાંધાણ રોડ ઉપર જે-જે પુલો, પાપડી, મુખ્ય રસ્તા (રોડ) ભારે વરસાદને કારણે ધોવાઇ ગયા છે તેનું નિરીક્ષણ કર્યું હતું. આથી આ જગ્યાનો પણ સર્વે કરાવી મજબૂતાઇથી બાંધકામ કરાવી પુલો, પાપડી, રસ્તાઓ તૈયાર કરાવી આપવા ટ્રસ્ટના પ્રમુખ ડો. અશોક મહેશ્વરીએ માંગ કરી  છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer