નવયુગલોને સપ્તપદીનાં વચનો પાળવા અનુરોધ

નવયુગલોને સપ્તપદીનાં વચનો પાળવા અનુરોધ
ભુજ, તા. 21 : ઉમિયા માતાજી ઇશ્વરરામજી ટ્રસ્ટ પ્રેરિત દેશલપર (વાંઢાય) વિસ્તાર સમૂહલગ્ન આયોજન સમિતિના ઉપક્રમે ઉમિયા માતાજી સંસ્થાન, વાંઢાય ખાતે સમિતિના પ્રમુખ શિવજીભાઇ કાનાણીના અધ્યક્ષ સ્થાને કન્યાદાન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. પ્રારંભમાં દિનેશભાઇ પોકારે સ્વાગત કર્યું હતું. જ્યારે કાર્યક્રમનો ઉદ્દેશ મહામંત્રી રમેશભાઇ પોકારે સમજાવ્યો હતો. ગત અખાત્રીજના વાંઢાય ખાતે  યોજાયેલા સમૂહલગ્નમાં જોડાયેલી 37 કન્યાઓને એકત્ર થયેલા રૂપિયા 7.40 લાખ જેટલી રકમ દરેક કન્યાને સમભાગે રૂા. 20,000 આગેવાનોના હસ્તે અર્પણ કરાઇ હતી. ઉપરાંત 34 કન્યાઓને `કુંવરબાઇનું મામેરું' તેમજ `સાત ફેરા' સરકારની યોજના હેઠળ દરેક કન્યાના રૂપિયા 20 હજાર મંજૂર થતાં તેમના બેંક ખાતામાં જમા થશે. કાર્યક્રમમાં `આદર્શ કુટુંબ વ્યવસ્થા' પરિસંવાદનું આયોજન પણ કરાયું હતું. જેમાં મુખ્ય વક્તા રાજકોટના દિપાલીબેન પટેલે હાજર દંપતીઓ અને ઉપસ્થિતોને દ્રષ્ટાંતો આપીને કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો. નવયુગલોને લગ્ન મંડપમાં લીધેલા સપ્તપદીનાં વચનોને જીવનપર્યંત પાળવાની શીખ?આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સફળ દામ્પત્ય જીવન માટે પતિ-પત્ની બન્નેને પરસ્પરમાં વિશ્વાસ અને પરસ્પર માટે આદર હોવો જરૂરી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના ટ્રસ્ટી ભાનુબેન સાંખલાએ આ સેમિનારમાં ઉપસ્થિત નવયુગલો અને તેમના વાલીઓને અહીંથી અપાયેલા માર્ગદર્શનનો પોતાના પારિવારિક જીવનમાં વિનિયોગ કરવા અને ભારતીય સંસ્કૃતિની પરંપરાને જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. આ વર્ષે જોડાયેલી દરેક કન્યાને દાતા ગં.સ્વ. સવિતાબેન રવજીભાઇ પોકાર પરિવાર મંગવાણા-મલાડ તરફથી 250 ગ્રામની લક્ષ્મીનારાયણ ભગવાનની રજત પ્રતિમા અર્પણ કરાઇ હતી. દાતા પરિવારના પ્રતિનિધિ શાંતિભાઇ ભાવાણીના હસ્તે રજત પ્રતિમાનું પ્રતીક વિતરણ કરવામાં આવ્યું હતું. આવતા વર્ષે આ દાતા પરિવારની આનાથી પણ વિશેષ સહયોગ આપવાની કરાયેલી જાહેરાતને વધાવી લેવામાં આવી હતી. કેન્દ્રીય સમાજ મુંબઇ ઝોનના પ્રમુખ ઉમેશભાઇ નાથાણીએ આવાં આયોજન બદલ આયોજકોને અભિનંદન આપી કહ્યું કે, નવયુગલોને એક બનીને તેમજ અનુકૂળ થઇને રહેતાં આવડવું જોઇએ. સંસ્થાના મહામંત્રી બાબુભાઇ ચોપડા, આયોજન સમિતિના સલાહકારો, દાતા શિવજીભાઇ ધોળુ, આણંદપર સમાજના પ્રમુખ પચાણભાઇ છાભૈયાએ અહીં અપાયેલાં માર્ગદર્શનને જીવનમાં ઉતારવા હાકલ કરી હતી. સમૂહલગ્નમાં જોડાયેલાઓ પૈકી નિરાલી પોકાર, જિનલ ચીકાણી, પ્રદીપ પ્રેમજિયાણી વગેરેએ જણાવ્યું હતું કે, કુ. દિપાલીબેને જે જીવન ઘડતરનું ભાથું આપ્યું છે તે આજે મળેલા રોકડ કન્યાદાન કરતાં પણ સવિશેષ છે. અધ્યક્ષ સ્થાનેથી શ્રી કાનાણીએ કહ્યું હતું કે, આ ધાર્મિક સંસ્થા હોવા છતાં અહીં સમાજ ઉપયોગી બહુજન હિતાય પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે. ઉમિયા માતાજી સંસ્થાના ટ્રસ્ટી ધનજીભાઇ લીંબાણી, ખજાનચી ગંગારામભાઇ ચૌહાણ, સમિતિના પૂર્વ પ્રમુખ શિવગણભાઇ ચૌહાણ, સલાહકાર કાંતિભાઇ માવાણી, અગ્રણી રમેશભાઇ વાઘડિયા, ભુજ લક્ષ્મીનારાયણ મહિલા મંડળના મહામંત્રી રીનાબેન ચૌહાણ તેમજ મંડળની બહેનો ઉપરાંત આસપાસના સમાજ, મહિલા તેમજ યુવક મંડળના અગ્રણી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી રમણભાઇ ચોપડાએ આભારવિધિ કરી હતી. દિનેશભાઇ પોકાર, પ્રાણલાલભાઇ રામજિયાણી, રમણભાઇ ચોપડા સહયોગી બન્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer