`હાસ્યસાહિત્ય પ્રત્યે ઉપેક્ષિત વલણ છે''

`હાસ્યસાહિત્ય પ્રત્યે ઉપેક્ષિત વલણ છે''
ભુજ, તા. 21 : લાંબાગાળા સુધી વાચક, ભાવક પર અસર રહે એ સ્તર સુધીનું સાહિત્ય રચાય, તો `હાસ્યસાહિત્ય'ને પણ વધુ સારું સ્થાન અને મહત્ત્વ મળી શકે તેવો સૂર આજે અહીં કચ્છ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય સાહિત્ય અકાદમી અને સરોજબેન વૈષ્ણવ સ્મારક ટ્રસ્ટ, અંજારના ઉપક્રમે યોજિત `ગુજરાતીમાં હાસ્યસાહિત્ય' વિષય પર સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે  વ્યકક્ત કરાયો હતો. કાર્યવાહક કુલપતિ ડો. દર્શનાબહેન ધોળકિયા, સુપ્રસિદ્ધ સાહિત્યકાર રતિલાલ બોરીસાગરની હાજરીમાં પરિસંવાદ ખુલ્લો મુકાયો હતો. ગુજરાતી ભાષા સાહિત્યના વિદ્યાર્થીઓ, સાહિત્ય રસિકોની ઉપસ્થિતિ વચ્ચે સમારોહના અધ્યક્ષસ્થાનેથી નામાંકિત સાહિત્યકાર ડો. ધીરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, હાસ્ય વિશે એક ધ્યાન ખેંચનારી વ્યાખ્યા છે. હાસ્ય એટલે સુકાયેલું આંસુ. ખાસ કરીને ગુજરાતી ભાષામાં હાસ્યસાહિત્ય સાથે `ઉપસાહિત્ય' જેવો વ્યવહાર થાય છે તેવું કહેતાં પ્રસિદ્ધ સાહિત્યકાર રતિલાલ બોરીસાગરે હાસ્યસાહિત્ય પ્રત્યે પ્રમાણમાં ઉપેક્ષિત વલણ હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો.હાસ્ય કેવળ મનુષ્ય જાતની મિરાત છે. ખડખડાટ, મુક્ત હાસ્યનું વરદાન માનવી ભોગવી શકતો નથી. વગર દવાએ હાસ્યથી પણ તાણ નિવારવાની કુદરતી કળા માણસ ખોઈ બેઠો છે તેવું હાસ્યસાહિત્યના નામી સર્જક રતિલાલભાઈએ કહ્યું હતું. હાસ્યના પ્રકારો, અસરો, માનવજીવનમાં તેની અનિવાર્યતાની સાથોસાથ હાસ્યના દોષે વિશે હાસ્યશાત્રના સંદર્ભો સાથે માંડીને વાત કરતાં તેમણે કહ્યું હતું કે, હાસ્યના શાત્રની ચર્ચા કરતા 300 ગ્રંથ રચાયા છે, જે વાંચવા બેસો તો હસવું ભૂલી જાઓ. કોઈને રડાવવું સરળ છે, પરંતુ હસાવવું મુશ્કેલ છે તેવું કહેતાં સાહિત્ય અકાદમીના ગુજરાતી પરામર્શ મંડળના સંયોજક વિનોદભાઈ જોશીએ પ્રેમાનંદથી માંડીને પ્રવર્તમાન સમયના હાસ્યસાહિત્ય પીરસતા સર્જકો વિશે માંડીને વાત કરી હતી. ભરતમુનિએ નાટયશાત્રમાં હાસ્યરસને પ્રધાનરસની હરોળમાં સ્થાન આપ્યું છે. હાસ્ય એ કરુણ અને શૃંગારનો સહચારી રસ છે. અકાદમી વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, કેન્દ્રીય સાહિત્ય અકાદમી  દર 11 કલાકે 1 પુસ્તક પ્રકાશિત કરે છે, તો એક વર્ષમાં ત્રણ હજાર જેટલા કાર્યક્રમ કરે છે. અગાઉ, અતિથિઓને આવકારતાં સાહિત્ય અકાદમી, મુંબઈના કાર્યક્રમ અધિકારી ઓમપ્રકાશ નાગરે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં દરરોજ એકથી વધુ કાર્યક્રમો યોજીને વિવિધ પ્રકાર, ભાષાના સાહિત્યનું સંવર્ધન કરવા સાથે અનુવાદની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવામાં પણ અકાદમી નિમિત્ત બને છે. અતિથિઓએ દીપ પ્રાગટય કર્યું હતું. `ગુજરાતીમાં હાસ્યસાહિત્ય' વિષય પરના આ પરિસંવાદમાં યુવાન વિદ્યાર્થીઓ, સાહિત્યરસિક સમુદાયની સાથે રમણીક સોમેશ્વર, હરેશભાઈ ધોળકિયા, આકાશવાણી ભુજના સહાયક કેન્દ્ર નિયામક મીરાબેન સૌરભ, રાજેશ અંતાણી, રસનિધિ અંતાણી, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો. કાશ્મીરા મહેતા,  રાપર કોલેજના આચાર્ય પરેશ રાવલ સહિત અગ્રણીઓ, સાહિત્યરસિકો જોડાયા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer