`મા'' અને પ્રધાનમંત્રી જનઆરોગ્યની 195 સારવાર ખાનગી દવાખાનામાં બંધ

ભુજ, તા. 21 : `મા' અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ 11 પ્રકારની બીમારી માટેની 195 જેટલી વિવિધ સારવારની સેવાઓ રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો માટે રિઝર્વ કરાતાં હવેથી આ યોજના અંતર્ગત લાભાર્થી આવી સારવાર માન્ય  ખાનગી દવાખાનામાં હવેથી નહીં મેળવી શકે. `મા' યોજના અને પીએમજેએવાય હેઠળ એનેક્ષર-1માં દર્શાવેલી 195 પ્રોસિઝરને હાલમાં સરકાર અનામત કરવાનો નિર્ણય લેવાયો છે અને તેનો તાત્કાલિક અમલ કરવાનો નિર્ણય તા. 19/8ના લેવાયો હોવાનો પરિપત્ર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (આ.વિ.)ના અધિક નિયામક દ્વારા બહાર પડાયો છે. તેમાં વધુમાં જણાવાયું છે કે, આ સારવાર માટે સોફ્ટવેરમાં જે લાભાર્થીઓની નોંધણી થઇ ગઇ?હોય તેમના દાવા માન્ય રાખવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ તા. 9 મેના `મા' અને પીએમજેએવાય હેઠળ જનરલ મેડિસીન, મેન્ટલ ડિસઓર્ડર પેકેજીસ, પિડિયાટ્રીક મેડિકલ મેનેજમેન્ટ, નીઓનેટલ પેકેજીસ તેમજ ઓબ્સ્ટેટ્રીક અને ગાયનેકોલોજી સ્પેશિયાલિટીમાં પાંચ પ્રકારની જેવી હિસ્ટેરેકટોમીની સારવાર ગવર્નમેન્ટ રિઝર્વ કરાઇ ચૂકી છે. આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓને અલગથી જાણ કરાઇ કે તેમના જિલ્લાની ગ્રાન્ટ ઇન એઇડ અને ટ્રસ્ટ હોસ્પિટલોને આપવાની ભલામણ સાથે દરખાસ્ત કરવી જેના આધારે છૂટછાટ આપવા નિર્ણય લેવાશે. આ અંગે વધુ વિગતો આપતાં `મા' યોજના જિલ્લા પ્રોગ્રામ અધિકારી બિપિનભાઇ આહીરે જણાવ્યું કે, સરકારી હોસ્પિટલો પૂરતી જ મર્યાદિત કરાયેલી સારવારમાં આંખનો  આખો વિભાગ સમાવાયો છે. આમ હવેથી આંખ સહિત 11 સબ સ્પેશિયાલિટીની `મા' અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ ખાનગી હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ નહીં થાય. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer