લ્યો, બોલો ભુજ સુધરાઇના કોઇ કર્મી કાયમી નથી ?

ભુજ, તા. 21 : તાજેતરમાં જ ભુજ સુધરાઇના કર્મચારીઓ દ્વારા કરાયેલી ઉચ્ચત્તર પગાર ધોરણની માંગમાં પ્રાદેશિક કમિશનર દ્વારા મોટો ધડાકો કરાતાં કર્મચારીઓના પગ નીચેથી જમીન સરકી જાય તેવી બાબત સામે આવી છે, જેનો સંપૂર્ણ શ્રેય (દોષ) મહેકમ શાખાના શીરે જતા હોવાના આક્ષેપ ઊઠયા છે. ભુજ નગરપાલિકામાં અત્યાર સુધી 200થી વધુ નિવૃત્ત, હાલમાં 90 જેટલા કાયમી, 50થી વધુ રોજંદાર તેમજ ફિક્સ અને કોન્ટ્રાક્ટ બેઝના 250થી વધુ કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે. રાજકોટથી આવેલા ઉત્તર મુજબ જોઇએ તો ભુજ નગરપાલિકાના કોઇ કર્મચારીની સરકાર માન્ય ભરતી નથી કરાઇ. અહીં સવાલ એ થાય છે કે, આ અગાઉ કર્મચારીઓને જે સરકારી ધોરણે લાભો અપાયા તે ક્યા આધારે અપાયા ? સુધરાઇના ચોપડે કાયમી બોલતા કર્મી જ જો કાયમી ન લેખાય તો રોજંદાર સહિતનાઓનું ભવિષ્ય શું ? આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ સુધરાઇના અમુક કર્મીઓ દ્વારા ઉચ્ચત્તર પગાર ધોરણની માંગ કરાઇ હતી. જેના પ્રત્યુત્તરમાં પ્રાદેશિક કમિશનરના જણાવ્યા અનુસાર નગરપાલિકામાં માન્ય ભરતી પ્રક્રિયાઓ અનુસર્યા વિના ગેરકાયદેસર નિમણૂક પામેલા કર્મચારીઓને પગાર ધોરણ સહિત અન્ય કોઇ લાભો મળવા પાત્ર થતા નથી.  અગાઉની ભરતી પર નજર કરીએ તો અમુક એવોર્ડથી, અમુક સામાન્ય સભા-કારોબારી બેઠકના ઠરાવથી કાયમી કરાયા. તે સમયે જેમને બઢતીનો લાભ ન મળે તેમના માટે હાયર સ્કેલ (9-18-27 વર્ષ)ની યોજના સરકારે બહાર પાડી હતી. ત્યારબાદ તેમાં ફેરફાર થયા અને 12-24 વર્ષ કરાયા અને લગભગ 250 ઉપર કર્મીને હાયર સ્કેલનો લાભ આપ્યો. અગાઉની તમામ ભરતીની નોંધ મહેકમ શાખાએ નિયામકમાં કરાવવાની હોય છે. જે ન કરાતાં આજ સુધી ભરતી થયેલા અને કાયમી થયેલા કર્મીઓ સામે સવાલ ખડો થયો છે. જો મહેકમની મંજૂરી મળે તો સરકારી ગ્રાન્ટ મળે પણ તેના માટે મહેકમ શાખાએ જે-તે સમયે નિયામકમાં નોંધ મૂકવી જોઇએ તે ન મૂકી હોવાનું સૂત્રોએ જણાવી અગાઉ અપાયેલા સરકારી લાભો કેમ અપાયા તેવો સવાલ ઊભો થયો છે અને ઓડિટમાં પણ પ્રશ્નો નડે છે. થોડા સમય પહેલાં જ મહેકમ શાખાના ગોટાળાના કારણે કરોડોના ખોટા ચૂકવણાની વિગતો સામે આવી અને ફરી વર્ષોથી કાયમી તરીકે નોકરી કરનારાઓના ભવિષ્ય સાથે આ શાખાએ ચેડાં કર્યા હોવાની લાગણી કચેરીમાં ફેલાઇ છે અને હવે સુધરાઇના સત્તાધીશો જાગે અને જવાબદારો સામે પગલાં ભરે તેવી માંગ ઊઠી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer