તહેવારો અગાઉ જ આરટીઓ સર્વર ઠપ

ભુજ, તા.21 : અહીંની પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ) ખાતે તહેવાર અગાઉના ધસારા વખતે જ ફરી મુખ્ય સર્વરને `લકવો' લાગતાં આજે તમામ કામગીરી ઠપ પડી હતી.  સીધી અસર રૂપે કચ્છભરમાંથી કામસર આવેલા લોકોને ધરમધક્કો પડયો હતો તો સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુક્સાન વેઠવાનો વારો આવ્યો હતો. અગાઉ પણ અનેક વખત ઠાગો દઈ જનારા આ સર્વરની કાયમી સંભાળની તકેદારી કેમ રાખવામાં આવતી નહીં હોય એવો સવાલ ઊઠી રહ્યો છે. રાજ્યની સાથે જ તમામ કાર્યવાહી કોમ્પ્યુટર આધારિત કરનારી આ કચેરીના સર્વરને જાણે ગ્રહણ લાગ્યું હોય એમ તેમાં અવારનવાર ટેકનિકલ ક્ષતિ યા અન્ય કારણસર તેનું ઠપ પડવું એ સામાન્ય ઘટના બની ગઈ છે અને લોકોને તેને કારણે પારાવાર પરેશાનીનો ભોગ બનવું પડતું હોય છે. લોકોને સીધી રીતે સ્પર્શતી આ ઘટના હોવા છતાં તેના કાયમી નિવારણની દિશામાં શા માટે નક્કર કામગીરી થતી નહીં હોય અને વારંવારના ધાંધિયાની જવાબદારી કોની એવો સવાલ કંટાળેલી મોટરિંગ પબ્લિક કરી રહી છે. આજે કચેરી ખૂલતાંની સાથે જ સર્વર ઠપ પડી જતાં કામકાજ અર્થે આવેલા લોકોમાં દેકારો મચી ગયો હતો. તમામ વિભાગો કોમ્પ્યુટર પર સંચાલિત થતા હોવાને કારણે લાયસન્સ, પાસિંગ, ટેસ્ટ ટ્રેક, ફિટનેસ સહિતની એક પણ કામગીરી શક્ય ન બનતાં લોકો પારાવાર પરેશાનીમાં મુકાયા હતા. અમુક કંટાળેલા લોકોએ બપોરે જ કચેરીમાંથી ચાલતી પકડી હતી તો અમુકે સર્વર ચાલુ થઈ જશે એવી આશાએ પોતાનો આખો દિવસ બગાડયો હતો અને સાંજ સુધી કચેરીમાં ઊભા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer