કે.ડી.સી.સી. ઉચાપત મામલામાં તત્કાલીન મેનેજર તરફે હાઇકોર્ટનું રુકજાવ

ભુજ, તા. 21 : કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાંથી સભાસદોની જાણ બહાર તેમના નામે ધિરાણ લેવા સહિતના કરોડોના ગફલાવાળા ચકચારી પ્રકરણમાં કેસના આરોપી બેન્કના તત્કાલીન શાખા મેનેજર સામેની તપાસ બાબતે હાઇકોર્ટે કામચલાઉ મનાઇહુકમ આપતો આદેશ કર્યો હતો. બેન્કની કોઠારા શાખાના તત્કાલીન મેનેજર સંજય રમેશચંદ્ર ત્રિપાઠી આ મામલામાં નોંધાયેલા ફોજદારી કેસમાં આરોપી છે. તેમના માટે હાઇકોર્ટ સમક્ષ ધા નખાયા બાદ ન્યાયાધીશ વિપુલ એમ. પંચોલીએ શ્રી ત્રિપાઠી સામેની તપાસ સામે તા. 25મી સપ્ટેમ્બર સુધી મનાઇહુકમ આપ્યો હતો. ન્યાયાધીશે તેમના આ હુકમમાં વર્ષ 2002ના મામલાની છેક 2019માં લાંબા સમય બાદ ફરિયાદ થવા સહિતના પાસાઓને ધ્યાનમાં રાખીને આ  આદેશ કર્યો હતો. કેસની આગામી તા. 25/9 મુકરર કરાઇ છે.  ખૂન કેસમાં  જામીન નામંજૂર દરમ્યાન ભારે ચકચારી એવા માજી ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી નીતિન પટેલની જામીન અરજી અંજાર સ્થિત જિલ્લા અદાલતે નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો.કેસના સૂત્રધાર બતાવાયેલા માજી ધારાસભ્ય છબીલભાઇ પટેલના રેલડી સ્થિત  નારાયણ ફાર્મના સંચાલન દરમ્યાન શાર્પશૂટરોને આશ્રય આપવા સાથે તેમને જરૂરી વ્યવસ્થા પૂરી પાડવા બદલ નીતિનની ધરપકડ કરાઇ  હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer