4 હજાર ટન બોક્સાઇટનો જથ્થો જપ્ત

ભુજ, તા. 21 : પૂર્વ કચ્છમાં ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલા એકમ મીના એજન્સીના સંકુલમાં બિનવારસુ રીતે પડેલા ચાર હજાર ટન બોક્સાઇટના જથ્થાને પ્રાંત અધિકારી સાથેની ટીમે દરોડો પાડી જપ્ત કર્યો હતો. પ્રાપ્ત થયેલી માહિતીના આધારે ખાણ-ખનિજ વિભાગના અધિકારી જે.આર. પટેલનો સંપર્ક સાધતાં તેમણે સમર્થન આપ્યું હતું. તેમના કહેવા પ્રમાણે પ્રાંત અધિકારી સાથેની ટીમે અચાનક ચેકિંગ કરતાં મોટો જથ્થો બોક્સાઇટનો બિનવારસુ રીતે પડયો હોવાનું માલૂમ પડયું હતું. મીના એજન્સીના જવાબદારોને પૂછતાં કોઇએ આ અંગેની જવાબદારી નહીં ઉપાડતાં તંત્રે ચાર હજાર ટન બોક્સાઇટ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કંપનીને નોટિસ મોકલી હતી. આ જથ્થો સ્ટોક રજિસ્ટરમાં નોંધાયેલો છે કે નહીં એ બાબતે હજુ સુધી કંપનીએ કોઇ ફોડ પાડયો નથી તેવું તેમણે જણાવ્યું હતું. આ ચાર હજાર ટન જથ્થાની કિંમત કેટલી છે એ મુદ્દે સૌથી પહેલાં તો શ્રી પટેલે વિગતો આપવાનું ટાળ્યું હતું પરંતુ પછી કહ્યું કે, કંપનીએ આધાર-પુરાવા રજૂ કર્યા નથી પણ જથ્થો કેટલાનો છે એ વારંવાર પૂછ્યા પછી કહ્યું કે, રૂા. 720 પ્રતિ ટન પ્રમાણે રૂા. 2.88 લાખનો થાય છે એમ કહ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer