જિલ્લામાં 21 જણ જુગારમાં ઝપટે

ભુજ, તા. 21 : આ શહેર ઉપરાંત માતાનામઢ (લખપત), કોડાય (માંડવી) અને સંઘડ (અંજાર) ખાતે જુગાર બાબતે પોલીસે પાડેલા દરોડામાં 21 ખેલી કાયદાના રક્ષકોના હાથે અંદર થયા હતા.  મઢમાં પાંચ ખેલી ઝડપાયા  લખપત તાલુકામાં તીર્થધામ માતાનામઢ ગામે ધાણીપાસા વડે જુગાર રમવાના આરોપસર પાંચ શખ્સને રૂા. 3530 સાથે પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસને ટાંકીને અમારા મઢના પ્રતિનિધિએ આપેલા અહેવાલ અનુસાર પકડાયેલા તહોમતદારોમાં માતાનામઢના મૂળજી લધા જાગરિયા, મનજી ગાભા જાગરિયા, ભીમજી લધા જાગરિયા, ખેતા ગાભા જાગરિયા અને રતિલાલ મનજી જાગરિયાનો સમાવેશ થાય છે. કોડાયમાં પાંચની ધરપકડ  બીજીબાજુ માંડવી તાલુકાના કોડાય ગામે દાતણિયાવાસ વિસ્તારમાં સ્થાનિક માંડવી પોલીસે ગતરાત્રે દરોડો પાડયો હતો. જેમાં તીનપતીનો જુગાર રમી રહેલા મુકેશ પોપટ દાતણિયા, ગાવિંદ પોપટ દાતણિયા, બાબુ કરશન દાતણિયા, મોહન રામજી દાતણિયા અને પોપટ ફકીરા દાતણિયાને રૂા. 5350ની માલમતા સાથે પકડી પડાયા હતા તેમ પોલીસે જણાવ્યું હતું.  ભુજમાં ચાર ખેલી સકંજામાં  જ્યારે જિલ્લા મથક ભુજમાં રામનગરી વિસ્તારમાં મેલડી માતાના મંદિરની સામેની ખુલ્લી જગ્યામાં ગઇકાલે મોડીસાંજે બી. ડિવિઝન પોલીસે અશોક છગન વઢિયાર, ખેતા મનસુખ દેવીપૂજક, ગોપાલ હરજી વઢિયાર અને હીરા વેલજી વઢિયારની જુગાર રમવાના આરોપસર ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસેથી રૂા. 3700 રોકડા કબજે કરી તેમની સામે ગુનો દાખલ કરાયો હતો.  સંઘડમાં પણ 7 શખ્સ ઝડપાયા અંજાર તાલુકાના સંઘડ ગામમાં આવેલા સંત રોહિદાસનગરમાં પોલીસે છાપો મારી ગામના જ પરબત મેસુર રાઠોડ, પ્રવીણ ગીરધારી બારોટ, ઇબ્રાહીમ બુઢા જામ, ફકુ ઉમર જામ, રામજી ખીમજી રાઠોડ, ઇશા બુઢા જામ અને કિશોર રાજા પરમાર નામના શખ્સોની ધરપકડ કરી હતી. જુગાર રમતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 12,750 તથા ચાર મોબાઇલ અને ચાર વાહન એમ કુલ રૂા. 61,500નો મુદામાલ હસ્તગત કરવામાં  આવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer