માંડવીમાં ઝઘડાના સમાધાન માટેની બેઠક વચ્ચે મામલો બિચકતાં થયેલી મારામારીમાં ચારેક ઘવાયા

ભુજ, તા. 21 : તૂફાન જીપમાં પ્રવાસીઓ બેસાડવાના મુદે અગાઉ થયેલા ઝઘડાના સમાધાન માટે મળેલી બેઠકમાં મામલો બિચકી પડતાં માંડવી શહેરમાં લાયજા રોડ ઉપર બે જૂથ વચ્ચે લાકડી અને ધોકા સહિતના હથિયારો વડે મારામારી થતાં બન્ને પક્ષના ચારેક સભ્ય જખ્મી થયા હતા. આ પ્રકરણમાં સામસામી પોલીસ ફરિયાદ લખાવાઇ હતી.  માંડવીમાં લાયજા રોડ ઉપર એચ.ડી.એફ.સી.બેન્કની સામે આ મારામારી થઇ હતી. જેમાં એક પક્ષના શોકત અબ્દુલ્લા સુમરા (ઉ.વ.37) અને અન્ય બે જણને તથા સામાજૂથના જાવેદ અબ્દુલ્લા સુમરા (ઉ.વ. 29)ને ઇજાઓ થઇ હતી.  પોલીસે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે બનાવ બાબતે ઇજાગ્રસ્ત શોકત સુમરાએ જાવેદ અબ્દુલ્લા સુમરા, સદામ મામદ સુમરા, હનીફ અબ્દુલ્લા સુમરા, મામદ, હુશેન અબ્દુલ્લા સુમરા, ઇરફાન અને સાજીદ સુમરા સામે મહાવ્યથા સહિતની કલમો તળે ફરિયાદ લખાવી હતી. જ્યારે સામાપક્ષેથી જાવેદ સુમરા દ્વારા હારૂન અબ્દુલ્લા સુમરા, શોકત અબ્દુલ્લા સુમરા, ઇમરાન ઇબ્રાહીમ સુમરા, તૈસીબ મામદ સુમરા, સલીમ અબ્દુલ્લા સુમરા, સાહિલ સુમરા અને હનીફ અબ્દુલ્લા સુમરા સામે પ્રતિફરિયાદ લખાવાઇ હતી. માંડવી પોલીસે તપાસ હાથ ધરી છે.  દેઢિયામાં ફિલ્મીઢબે હુમલો  બીજીબાજુ માંડવી તાલુકાના દેઢિયા ગામે રિક્ષા બાઇક સાથે અથડાવી બાઇકના ચાલક શેરડીના સલીમ સુમાર જત (ઉ.વ.26)ને પાડી દઇને તેને ધોકા વડે બન્ને પગમાં ઇજા કરાઇ હતી. પોલીસના જણાવ્યા મુજબ આ બાબતે દેઢિયા ગામના કરીમ ઉર્ફે કમાભાઇ લતીફ જત, ભાગબાઇ લતીફ જત, બાંયાબાઇ લતીફ જત, શીરીન હારૂન જત, મેમુના સલીમ જત અને રોશન ઇશા જત સામે ફરિયાદ લખાવાઇ હતી. ગઢશીશા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભુજમાં છરી વડે હુમલો જિલ્લા મથક ભુજમાં ભીડનાકા બહાર આત્મારામ ચકરાવા પાસે આજે મધ્યાહને અજ્ઞાત શખ્સ દ્વારા છરી વડે હુમલો કરાતાં રામનગરીમાં રહેતા ઇકબાલ જાકબ ત્રાયા (ઉ.વ.20)ને હાથમાં ઇજા થઇ હતી. હુમલો કરનારો અજાણ્યો શખ્સ નશાયુકત હાલતમાં હોવાનું ભોગ બનનારે પોલીસ સમક્ષ લખાવ્યું છે તેમ પોલીસે જણાવ્યું હતું.  માનકૂવામાં હુમલો : ત્રણ ઘવાયા  આ ઉપરાંત ભુજ તાલુકાના માનકૂવા ગામે એકતા હોટલ પાસે ગતરાત્રે લાકડી અને છરી વડે કરાયેલા હુમલામાં માનકૂવાના ખડિયા વિસ્તારમાં રહેતા સદામ જુશબ લુહાર (ઉ.વ.16), સાહિલ જુશબ લુહાર (ઉ.વ.18) અને જુશબ મામદ લુહાર (ઉ.વ.39) ઘવાયા હતા. આ હુમલો કરવા બાબતે રઝાક અલીમામદ, સાજીદ રઝાક અને અમીન રઝાકના નામ પોલીસ સમક્ષ લખાવાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer