ગાંધીધામમાં દબાણ મામલે પોલીસે નાના લોકોને નિશાન બનાવતાં ભારે ચકચાર

ગાંધીધામ, તા. 21 : શહેરના ટાગોર રોડ નજીક ઘાસચારો વેચતા તથા માટલા વેચતા ત્રણ લોકો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. શહેરની ઇફકો કોલોનીના ગેટ સામે ટાગોર રોડ પાસે ઘાસચારો વેચતા જલુબેન દેવા ભીલ તથા ઇ.આર.સી. પાસે ઘાસચારો વેચતા વશરામ વેલા ભીલ અને ગુરુકુળ ત્રણ રસ્તા પાસે માટલા વેચતા વિનોદ રામચંદ્ર શાહ વિરુદ્ધ ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો હતો. ટ્રાફિકમાં અડચણરૂપ?થવા બદલ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે શહેરની મુખ્ય બજારમાં આર્કેડમાં તથા આર્કેડની બહાર અને વચલી બજારમાં વેપારીઓ દ્વારા થોકબંધ દબાણો ખડકી દઇને ધરાર ટ્રાફિકમાં અડચણરૂપ થાય તેવી કામગીરી કરવામાં આવે છે છતાં પણ ટ્રાફિક પોલીસને આવી અડચણ નજરે પડતી નથી. પોલીસે કરેલી કાર્યવાહી યોગ્ય હોવાનું જાગૃત લોકો જણાવી રહ્યા છે. પરંતુ મુખ્ય બજારમાં આવેલા અને ટ્રાફિકને અડચણ કરતા મોટા વેપારીઓ સામે શા માટે લાજ કાઢવામાં આવે છે તેવા પ્રશ્નો બહાર આવી રહ્યા છે. ખુદ ટાગોર માર્ગની આસપાસ સુંદરપુરીની નજીક દરરોજ જુગાર ખેલાય છે તે પોલીસને આવતા-જતાં નજરે નથી ચડતી, અન્ય મોટા-મોટા દબાણો, અડચણો નથી દેખાતા અને નાના લોકો સામે દંડો પછાડવો કેટલો યોગ્ય છે તેવા પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે. આવી કાર્યવાહી થવી તે યોગ્ય છે, પરંતુ તમામ લોકોને સમાન સમજીને કાર્યવાહી પોલીસે કરવી જોઇએ તેવી ચર્ચા લોકોમાં વહેતી થઇ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer