મેઘપર (બો)માં યુવાન પરિણીતાનું ઘરમાં જ પડી જવાથી મૃત્યુ

ગાંધીધામ, તા. 21 : અંજાર તાલુકાનાં મેઘપર બોરીચીની સદ્ગુરુ સોસાયટીમાં રહેતા મીનાબેન હરેશ કોળી (ઉ.વ.25) નામના પરિણીતા પડી જતાં તેમનું મોત?થયું હતું. બીજી બાજુ ભચાઉના શિવલખામાં સીડી પરથી નીચે પટકાતાં અમરીબેન કાયા પરમાર (ઉ.વ.70) નામના વૃદ્ધાએ પોતાનો જીવ ખોયો હતો. મેઘપર બોરીચીની સદ્ગુરુ સોસાયટીમાં રહેતા મીનાબેન  નામના મહિલા ગઇકાલે બપોરે પોતાના ઘરે હતા. ચાર વર્ષના લગ્નગાળામાં એક સંતાનના માતા એવા આ મહિલા બાથરૂમમાં પડી જતાં પરિણામે તેમને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી બાજુ અપમૃત્યુનો વધુ એક બનાવ શિવલખા ગામમાં બન્યો હતો. આ ગામમાં રહેતા અમરીબેન નામના વૃદ્ધા ગઇકાલે સવારે પોતાના ઘરે ઘરકામ કરી રહ્યા હતા. પોલીસે વિગતો આપતાં કહ્યું હતું કે, આ વૃદ્ધા સીડી ઉપર ચડી ઘરની સફાઇ કરી રહ્યા હતા તે દરમ્યાન નીચે પટકાતાં તેમને માથાના પાછળના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા વૃદ્ધાને પ્રથમ ભચાઉ અને વધુ સારવાર અર્થે ભુજ ખસેડાતાં રસ્તામાં તેમનો જીવનદીપ બુઝાઇ ગયો હતો. આ બંને બનાવોમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer