ફૂડ વિભાગના ચાર અધિકારી મેળાઓમાં ચેકિંગ કેમ કરશે ?

ભુજ, તા. 21 : શહેર સુધરાઇમાં ફૂડ સેફટી ઇન્સ્પેક્ટરની જગ્યા લાંબા સમયથી રદ થયા બાદ શહેર તેમજ જિલ્લાની તમામ જવાબદારી એકમાત્ર ખાદ્ય અને ઔષધ નિયમન કચેરી પર આવી છે ત્યારે હાલ શ્રાવણી મેળાની સિઝન દરમ્યાન આ કચેરીના 4 ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર કઇ રીતે જવાબદારી પાર પાડી શકશે તેવો પ્રશ્ન જાગૃતો ઉઠાવી રહ્યા છે. ભુજ નગરપાલિકામાં ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા રદ થયા બાદ જિલ્લામાં તમામ ખાદ્યસામગ્રીની ચકાસણીની જવાબદારી ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર પર આવી પડી છે. હાલ જિલ્લામાં પાણીજન્ય ઝાડા-ઊલટીના કેસો સામે આવી રહ્યા છે ત્યારે શ્રાવણી મેળાઓમાં વેચાતી ખાદ્યવસ્તુઓનું ગંભીર રીતે ચેકિંગ કરવામાં આવે તેવો મત જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે જિલ્લાના ખાદ્ય અને ઔષધિ નિયમન તંત્રના ડેજિગ્નેટેડ અધિકારી એમ. જી. શેખનો સંપર્ક સાધતાં તેમણે આપેલી વિગતો મુજબ હાલ ઓગસ્ટ માસથી જ કચેરી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરી 45 જેટલા દાબેલી, સમોસા, આઇક્રીમ, ભેલ, પાણીપૂરીના લારી-ગલ્લાના ધંધાર્થીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી તથા મેળાઓ દરમ્યાન ટીમ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, મેળામાં ખોરાકને ઢાંકીને રાખવા, ખોરાક રોજ પૂરતો જ બનાવવો, વધેલો તથા વાસી ખોરાકનો યોગ્ય સ્થળે નિકાલ કરવો, મેળામાં ડિસ્પોઝલ ડિશ-ગ્લાસનો ઉપયોગ કરવો, દરેક ધંધાર્થીને હાથમોજા, એપ્રોનનો ઉપયોગ કરવા કડક સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આખા જિલ્લામાં દસ તાલુકા વચ્ચે ભુજમાં પાંચમાંથી ચાર ફૂડ સેફટી ઇન્સ્પેક્ટર, કચેરીના વડા તથા ગાંધીધામ નગરપાલિકામાં એકમાત્ર ફૂટ સેફટી ઇન્સ્પેક્ટરની જગ્યા ભરેલી છે. તેમાંય ગાંધીધામના ઇન્સ્પેક્ટરને માત્ર નગરપાલિકા વિસ્તાર પૂરતી જ સત્તા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer