રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ કરાઓકે સ્પર્ધા

રાજકોટ, તા.21 : કરાઓકે ટેકનોલોજીએ લોકોના ગાવાના શોખને ખીલવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. હવે ઘણા કરાઓકે સિંગર આ ટેકનોલોજીને આધારે બહાર આવ્યા છે. જો કે ઘણા માત્ર શોખને ખાતર કરાઓકે પર ગાતા હોય છે. શોખ હોય કે પ્રોફેશનલ સિંગર તમામને મોટાં પ્લેટફોર્મ પર પોતાની કલા રજૂ કરવાની તક મળે તો સોનામાં સુગંધ ભળે. રાજકોટની મનુભાઈ વોરા મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, સિઝન્સ સ્કવેર ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૂલછાબ દ્વારા એ માટે સતત ત્રણ વર્ષથી લગાતાર કરાઓકે સ્પર્ધા યોજવામાં આવે છે. ચોથી ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ કરાઓકે સ્પર્ધાનું આયોજન સપ્ટેમ્બર મહિના દરમિયાન કરવામાં  આવ્યું છે. ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ કરાઓકે સિંગિંગ સ્પર્ધાનો ઓડિશન રાઉન્ડ આગામી તા.8મી સપ્ટેમ્બરના દિવસે રવિવારે સિઝન્સ સ્કવેર મોલના એકોસ્ટિક હોલમાં, અમીન માર્ગ ખાતે યોજવામાં આવશે. સમગ્ર સ્પર્ધા નિ:શુલ્ક છે માટે સ્પર્ધકે કોઈ ફી ચૂકવવાની નથી. સ્પર્ધા માટેના ફોર્મનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. કરાઓકે સિંગિંગ સ્પર્ધા ઓડિશન, સેમિફાઈનલ અને ફાઈનલ  એમ કુલ ત્રણ રાઉન્ડમાં યોજાશે. સ્પર્ધા કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર પૂરતી સીમિત રાખવામાં આવી છે. સ્પર્ધા બે કેટેગરીમાં યોજાશે. પ્રથમ કેટેગરીમાં 8થી 18 વર્ષની ઉંમરના સ્પર્ધકો અને બીજી કેટેગરીમાં 18 વર્ષથી ઉપરના સ્પર્ધકો ભાગ લઈ શકશે. કરાઓકે ટ્રેક આધારિત સ્પર્ધા હોવાને લીધે ટ્રેક સિવાય ગીતો ગાવાની છૂટ આપવામાં આવશે નહીં.  ઓડિશન રાઉન્ડમાં ત્રણ કરાઓકે ટ્રેક પસંદ કરીને મોકલવાના રહેશે. એમાંથી નિર્ણાયકો કહે તે ગીત ગાવાનું રહેશે. ફોર્મ ભરીને સાથે ટ્રેક જમા કરાવવાની છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર 2019 છે. સ્પર્ધા માટેના ફોર્મ સિઝન્સ સ્કવેર મોલ, અમીન માર્ગ, સાગર ટાવરની સામે, રાજકોટ ખાતેથી મળશે. વોટસએપ કે ફેસબુક પરથી મેળવેલું ફોર્મ પણ પ્રિન્ટ કઢાવીને જમા કરાવી શકાશે. આ જ સરનામે ફોર્મ જમા કરાવવાના રહેશે. ફોર્મ જમા કરાવવાનો સમય સાંજે 4થી 8 વાગ્યા સુધીનો રહેશે. વધુ વિગતો માટે મોબાઈલ  નં. 96384 01681 પર સંપર્ક કરવો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer