અંજારમાં ઘરમાં ઘૂસી તબીબ પુત્રવધૂ અને સસરા ઉપર છરી વડે હુમલો

અંજારમાં ઘરમાં ઘૂસી તબીબ પુત્રવધૂ અને સસરા ઉપર છરી વડે હુમલો
ગાંધીધામ, તા. 20 : અંજારમાં ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સ દ્વારા મહિલા અને વૃદ્ધ ઉપર જીવલેણ હુમલો કરાયો હોવાનો બનાવ પ્રકાશમાં આવતાં ભારે ચકચાર પ્રસરી છે. જ્યારે આદિપુરમાં ચાર શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યો હતો.અંજારના વાઘોડિયા ચોકમાં બનેલા બનાવ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસી ગયો હતો. આ શખ્સે 60 વર્ષીય ભાણજીભાઈ કાપડિયા અને  તેમના પુત્રવધૂ ડો. અંકિતા કાપડિયા ઉપર છરી વડે હુમલો કર્યો હતો. આ શખ્સોએ લૂંટના ઈરાદે હુમલો કર્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. અંજાર પી.આઈ. બી.આર. પરમારનો સંપર્ક સાધતાં તેમણે ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું.  સંભવત: પૈસાની લેતીદેતી બનાવ પાછળ કારણભૂત હોવાની આશંકા પણ પોલીસ સૂત્રોએ વ્યકત કરી હતી. બીજી બાજુ આદિપુરમાં હુમલાનો બનાવ પોસ્ટ ઓફિસ ત્રણ રસ્તા પાસે બપોરે 12 વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપી રોહિત આહીર અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સોએ ફરિયાદી રાજેશ મંગલ મહેશ્વરી ઉપર પાઈપ અને લાકડી વડે માર મારી અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચાડી હતી.  ફરિયાદી યુવાન ફાયર સેફટીના બાટલા લગાડવા જતો હતો. આરોપી રોહિતે બાઈકને ઓવરટેક કરી અપશબ્દો કહ્યા હતા, જે અંગે ઠપકો આપતાં ઉશ્કેરાયેલા શખ્સે હુમલો કર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer