રળિયામણું માંડવી સ્વયં પ્રકૃતિનો ખોળો છે

રળિયામણું માંડવી સ્વયં પ્રકૃતિનો ખોળો છે
માંડવી, તા. 20 : અહીંની રોટરી ક્લક દ્વારા ધરમશી નેણશી રોટરી હોલ ખાતે ઓપન ગુજરાત ફોટોગ્રાફી હરીફાઈ અને માંડવીના આંતરરાષ્ટ્રીય છબીકળાવિદ્ વસંતભાઈ સંઘવીની તસવીરોનું `વન-મેન-શો' પ્રદર્શન ખુલ્લું મૂકતા ગુ. સંગીત નાટયકળા અકાદમીના પૂર્વ ચેરમેન યોગેશભાઈ બોક્ષાએ જણાવ્યું હતું કે કલાપ્રેમી ધરતી પર જ આવા આયોજન થાય. રાજ્યભરમાંથી 29 તસવીરકારોની 198 જેટલી તસવીરોએ સ્પર્ધામાં ઝુકાવ્યું હતું. વસંતભાઈએ કચકડે કંડારેલી 8પ પ્રાકૃતિક તસવીરો પ્રદર્શનમાં મુકાઈ હતી. આ શહેરમાં રોટરી દ્વારા રાજ્યસ્તરના ફોટોગ્રાફી પ્રદર્શનનું પહેલીવાર આયોજન કરાયું તેની સમાંતરે અહીંના આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકેલા 80 વર્ષના છબીકળા સાધક વસંતભાઈ સંઘવીની પ્રાકૃતિક તસવીરોનું પ્રદર્શન રસિકોએ માણ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાનપદેથી તબીબ અને ભૂસ્તરશાત્રના અભ્યાસી ડો. પુલીનભાઈ વસાએ માંડવીને પ્રકૃતિના ખોળા તરીકે મૂલવતાં સેલફોન અને સેલ્ફી યુગમાં છબીકળા વધુ ને વધુ પાંગરતી હોવાથી કલાસાધકો માટે નવી દિશા-દૃષ્ટિ ખુલ્લી હોવાનું કહ્યું હતું. રોટરી પ્રમુખ ભાવિન ગણાત્રાએ પ્રથમ વખત વર્લ્ડ ક્લાસ ફોટોગ્રાફી પ્રદર્શન બદલ ગૌરવ અનુભવતાં શાબ્દિક સત્કાર કર્યો હતો. શ્રી સંઘવીનો વ્યક્તિ પરિચય કરાવતાં રોટરી મોભી વિનય ટોપરાણીએ છબીકળાની સદાબહાર વસંત તરીકે મૂલવતાં ટી.એસ. લાલને તેમના કળાગુરુ કહ્યા હતા. પક્ષી, પ્રકૃતિ તસવીરોમાં તેમનું અવ્વલ સ્થાન પથદર્શક ગણાવાયું હતું. પ્રોજેક્ટ ચેરમેન પ્રતીક શાહે આયોજન સંબંધી જાણકારી આપી હતી. 80 વર્ષની આવરદામાં પાંચ દાયકાઓની કળાસાધના દરમ્યાન સાડા છ લાખ કરતાં વધારે ક્લિકને કેદ કરનારા શ્રી સંઘવીએ 80 સુવર્ણ-રજત પદકો, 200 મેરિટ પ્રમાણપત્રો, ગુજરાત લલિતકળા અકાદમી દ્વારા '90ના દાયકામાં એવોર્ડ સિદ્ધિ બદલ મંચસ્થ દ્વારા બહુમાન કરાયું હતું. ચેમ્બર વતી વાડીલાલ દોશી, જાયન્ટસ વતી રાજેશ દોશી, ડી. કે. મહેતા અને સુનીલભાઈ સોનીએ શાલ વડે ઓવરાણા લીધા હતા. આ અવસરે સિદ્ધિઓ, સહયોગ બદલ સતીશ શનિશ્ચરાનું બહુમાન કરાયું હતું. ઉપસ્થિત હર્ષદ પોમલ (ભુજ)નું પણ સન્માન કરાયું હતું. ગઈકાલે યોજાયેલી હેરિટેજ ફોટોવોકમાં જોડાયેલા 13 યુવા તસવીરકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. રાજ્યમાંથી 29?જેટલા તસવીરકારોની સ્પર્ધામાં મુકાયેલી 198 છબીઓમાં વર્લ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં અનોપ ચાવડા-વડોદરા (પ્રથમ) અને પાર્થ કંસારા-નખત્રાણા (દ્વિતીય), સ્ટ્રીટ લાઈફ ફોટોગ્રાફીમાં દિનેશ પરમાર-વડોદરા (પ્રથમ), અને મેહુલ ભટ્ટ-અંજાર (દ્વિતીય) જ્યારે અન્ય કેટેગરીમાં ચંદ્રેશ જોશી-માધાપર (પ્રથમ) અને બિપિન ગાંધી-વડોદરા (દ્વિતીય)ને વિજેતા થવા બદલ પુરસ્કૃત કરાયા હતા. મંચસ્થો ઉપરાંત પાસ્ટ ડિસ્ટ્રીક્ટ પ્રેસિડેન્ટ ડો. હર્ષદ ઉદેશી, વિનય ટોપરાણી, દર્શનાબેન શાહ, જયંતીલાલ શાહ,        અરવિંદ શાહ વગેરે રોટરી અગ્રણીઓ દ્વારા પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. શૈલેશ રાવલ (અમદાવાદ), અશોક ચૌધરી (મુંદરા) અને વસંત સંઘવી (માંડવી)એ નિર્ણાયકો તરીકે સેવાઓ આપી હતી. મહત્ત્વનાં યોગદાન બદલ મનીષ પારેખનો ઋણ સ્વીકાર કરાયો હતો. જુગલ સંઘવી અને પ્રતીક શાહે આયોજન, સંચાલન અને સેક્રેટરી તેજસ વાસાણીએ આભારદર્શન સંભાળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer