2021ની વસતી ગણતરીનું કાર્ય શરૂ

2021ની વસતી ગણતરીનું કાર્ય શરૂ
ભચાઉ/ભુજ, તા. 20 : 2021ની ભારતની રાષ્ટ્રીય જનગણનાની તૈયારીઓના ભાગરૂપે ભચાઉના 24 ગામોનાં 73 બ્લોકમાં 73 ગણતરીદારો, 12 સુપરવાઈઝરો સાથે કામગીરી ચાલુ કરી દેવાઈ છે. આજે રાજ્યના જનગણના નિયામક પી. કે. સોલંકી (આઈએએસ) દ્વારા ભચાઉની રૂબરૂ મુલાકાત લઈને તંત્રના અધિકારીઓ અને ગણતરીદારો, સુપરવાઇઝરોને સાથે રાખીને જનગણના કાર્ય સંલગ્ન તમામ પાસાઓની છણાવટ કરી કરમરિયા ગામે સ્થાનિકે નાગરિકના ઘરની પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્થળ પર જ મોબાઈલ એપ્લીકેશન દ્વારા ડેટા એન્ટ્રીની કામગીરી કરાવીને થઈ રહેલું જનગણના કાર્ય તેની ચોક્કસતા સાથે થઈ રહ્યું છે કે નહીં, તેની પૂર્વ ચકાસણી (પ્રિ-ટેસ્ટ) લીધી હતી. ભચાઉ-રાપરના નાયબ કલેકટર સુશીલ પરમાર, મામલતદાર કે. જી. વાછાણી, નોડલ અધિકારી સી. આર. વીણાધર, સુપરવાઈઝર કાંતિભાઈ પ્રજાપતિ સહિતના અધિકારીઓની ટીમ સાથે રાજ્યના જનગણના નિયામક શ્રી સોલંકીએ સૌ પ્રથમ કરમરિયાની પંચાયતી પ્રાથમિક શાળામાં ગણતરીદારો અને સુપરવાઈઝરો સાથે બેઠક કરીને 73 બ્લોકમાં હાથ ધરાયેલા 2021ના જનગણના કાર્યની સાથે-સાથે દર પાંચ વર્ષે કરવાની નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર) અપડેટેશનની કામગીરીની પણ સમીક્ષા કરી જરૂરી નિર્દેશો અને માર્ગદર્શન આપ્યા હતા.  જનગણના નિયામક શ્રી સોલંકીએ મોબાઈલ એપ્લીકેશન દ્વારા કરાતી વસતી ગણતરી સાથોસાથ દર પાંચ વર્ષે કરાતી એનપીઆર અપડેટેશનની કામગીરીની ઝીણવટભરી ચકાસણી કરીને ડેટા કલેકશનના નકશા, ફોર્મ, પત્રકો, રજિસ્ટરની પેપર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં સમગ્ર ટીમે જનગણના કર્મચારીઓ દ્વારા નિયત નમૂનામાં ભરાયેલી વિગતોની ખરાઈ કરવા કરમરિયા ગામે એક બ્લોકમાં જઈ કામગીરીની હકીકતલક્ષી તપાસ કરવા નાગરિકના ઘરની પણ જાત મુલાકાત લીધી હતી. સ્થળ પર જ મોબાઈલ એપ્લીકેશનમાં ઘરની સભ્ય સંખ્યા, ઘરના માલિકાના નામથી લઈ મોબાઈલ નંબર, ત્રી-પુરુષ સભ્યોની સંખ્યા, ઘરમાં આવેલા રૂમ-રસોડાં, બાથરૂમ-નળ છે કે કેમ, ટાઈલ્સ, આરસીસી છતવાળું, નળિયાવાળું હોય તો તેની વિગતો, ટૂંકમાં મકાનની ભૌતિક કંડિશન, ગેસ જોડાણ, સાઈકલ-વાહનો, મોબાઈલ, ટી.વી., કોમ્પ્યુટર, ઈન્ટરનેટ જેવી ઘરની સામાન્ય માહિતીઓનું ડેટા એન્ટ્રી કાર્ય કરાવી 2021નાં થઈ રહેલા જનગણના કાર્યનો પ્રિ-ટેસ્ટ લીધો હતો. આ ઉપરાંત જનગણના સાથેસાથે કરાઈ રહેલા એનપીઆર અપડેટેશન કરવા અગાઉ રજિસ્ટરમાં દર્શાવેલા પરિવારની વિગતોમાં લગ્ન પછી વિભક્ત થયેલા સંતાનો, પરિવારની વિગતો રજિસ્ટરમાં આમેજ કરી પરિવારની વિગતો અપડેટ કરવા તેમજ એ જ પરિવારમાંથી વિભક્ત અથવા ગુજરી ગયા હોય તેઓનાં નામ કમી કરવા સહિતની અપડેટેશનની કામગીરીની સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતોની છણાવટ કરી જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું. શ્રી સોલંકીએ એપમાં સીધી એન્ટ્રી કરવા સહિત તેમાં સુધારાઓ પણ કઈ રીતે કરી શકાય છે, તે અંગેનું પણ સઘળું માર્ગદર્શન આપ્યું હતું. પ્રાંત અધિકારી સુશીલ પરમાર અને મામલતદાર કે. જી. વાછાણી અને નોડલ અધિકારીએ બ્લોકવાઇઝ જનગણનાની થઈ રહેલી કામગીરીની પૂરક વિગતો આપી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer