ગામેગામ ગૌચર પર ઘાસ ઉગાડવા અપીલ

ગામેગામ ગૌચર પર ઘાસ ઉગાડવા અપીલ
નલિયા, તા. 20 : દુષ્કાળ દરમ્યાન અબડાસામાં અબડાસા તાલુકા અબોલ જીવ બચાવ સમિતિની રચના બાદ પશુરક્ષા પ્રવૃત્તિની એક મેટી ઝુંબેશ ચલાવાયા બાદ રાતા તળાવ વાલરામજી પાંજરાપોળ ખાતે 12 હજારથી વધુ પશુઓનો દુકાળના કપરા કાળમાં નિભાવ કર્યા બાદ સચરાચર વરસાદ થઇ જતાં આપત્તિને અવસરમાં પલટાવવાના ભાગરૂપે આજે `મેઘલાડુ'નો અનોખો કાર્યક્રમ યોજી પશુરક્ષા પ્રવૃત્તિનું સમાપન કરવામાં આવ્યું હતું. આ સમિતિના નેતૃત્વ હેઠળ અબડાસા, લખપત વિસ્તારમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા 76 ઢોરવાડા, 9 પાંજરાપોળ, ગૌશાળામાં 10 માસના સમયમાં એક લાખથી વધુ ઢોરોને જીવતદાન અપાયું હોવાનું શ્રેય સમિતિને આપવામાં આવ્યું હતું. રાતા તળાવ ખાતે યોજાયેલા મેઘલાડુ અને સત્કાર સમારોહના પ્રમુખ સ્થાનેથી કચ્છના કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, દાતાઓ, સંસ્થા અને સરકારના સહિયારા પ્રયાસોથી એક કપરો કાળ પસાર થઇ ગયો, હવે આ સમસ્યાના કાયમી ઉકેલ રૂપે દરેક તાલુકાના ગામોમાં ગૌચર જમીન ઉપર ઘાસ ઉગાડવાની અપીલ કરી વહીવટી તંત્ર પણ જોડાશે સાથે જળસંચયનાં કામો હાથ ધરી ઓધવરામ સત્સંગ મંડળ દ્વારા હાથ ધરાયેલી પ્રવૃત્તિને બિરદાવી હતી. પ્રારંભમાં નરેડીમાં ચાતુર્માસ ગાળતા જૈન મુનિ કલાપ્રભસૂરિશ્વરજીએ આશીર્વચન આપ્યા હતા. મહેશભાઇ માવ (સેલવાસ)એ સ્વાગત પ્રવચન કર્યું હતું. છેલ્લા આઠ માસથી અન્નનો ત્યાગ કરનારા સંસ્થાના સ્થાપક મનજીભાઇ ભાનુશાલીને સ્વામિનારાયણના સંતો, શાંતિદાસજી મહારાજ, કલ્યાણદાસજી, ચંદુમા (ગઢશીશા),  મૃદુલામા, માર્ગી સ્વામી તથ મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ, અન્ય સાધુ સંતોએ પારણાં કરાવ્યાં હતાં અને તેમનું વિવિધ સંસ્થાઓ વતી વિશિષ્ટ બહુમાન કરાયું હતું. જીવદયા માટે તેમણે કરેલી કામગીરીની સૌએ નોંધ લીધી હતી. આ નિમિત્તે વિષ્ણુયાગ યજ્ઞ ઉપરાંત 8000 કિલો લાડુથી ગાયોને મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. સમિતિના મોવડી નલિયાના યુવા અગ્રણી છત્રસિંહ જાડેજાએ અત્યાર સુધી કરોડો રૂપિયાના થયેલા ખર્ચના હિસાબો રજૂ કર્યા હતા. ગૌસેવા અભિયાનમાં ભારત ગ્રુપ નલિયા, ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ ડુમરા, શ્યામજી કૃષ્ણ વર્મા ચે. ટ્રસ્ટ અમદાવાદ, હરિઓમ પરિવાર અને કચ્છી આશ્રમ હરિદ્વાર, નવીનભાઇ આઇયા-વિરાણી મોટી, લોહાણા વિશ્વમંચ - મુલુન્ડ (મુંબઇ), લક્કી ગ્રુપ - ભુજ, કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ - મુંબઇ, દીપકભાઇ નૈરોબીવાળા પરિવાર અને અંબિકા ચંદ્રનિકેતન ટ્રસ્ટ- ગઢશીશા, દેવચંદભાઇ-ચિયાસરવાળા, વર્ધમાન ચે. ટ્રસ્ટ -મુંબઇ, આશુભાઇ વડોર, કચ્છી ભાનુશાલી દેશ મહાજનના પ્રમુખ પ્રવીણચંદ્ર બાબુલાલ ભાનુશાલી, મોમાય મંદિર-ભાચુંડ, મોહનભાઇ શાહ, ભચીબાઇ સુંદરજી-મુંબઇ, અબડાસા ગૌસેવા ટ્રસ્ટ-વિંઝાણ, વી.આર.ટી.આઇ.-નલિયા, ગાયત્રી પરિવાર-નલિયા વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હોવાનું જણાવાયું હતું. કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ માવએ, આભારવિધિ છત્રસિંહ જાડેજાએ કર્યા હતા. આઠ માસ પૂર્વે નલિયા ખાતે વિવિધ સંસ્થાઓ અને રાજકીય પક્ષના આગેવાનોની બેઠકમાં અબોલ જીવ બચાવ સમિતિની રચના કરાયા પછી તેનો હવાલો રાતા તળાવ સ્થિત મનજીભાઇ ભાનુશાલીને સોંપવામાં આવ્યો હતો. તેમણે રખડતા, ભટકતા, બીમાર, અશક્ત ઢોરોને રાતા તળાવ પાંજરાપોળ ખાતે આશ્રય અપાશે તેવી જાહેરાતને પગલે ડુમરાના જેન્તીભાઇ ઠક્કર અને નલિયાના છત્રસિંહ અને તેમની ટીમ દ્વારા 40 દિવસ સુધી અગિયાર હજારથી વધુ ઢોરો એકત્રિત કરી સંત વાલરામજી મહારાજ પાંજરાપોળ ખાતે ગૌયાત્રા કાઢી વાજતે-ગાજતે પહોંચાડાયા હતા. સમારોહમાં ઉપસ્થિત અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ તથા ધર્મગુરુ કાદરશા બાવા સૈયદે કામગીરીને બિરદાવી હતી. પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહીમ મંધરા, જિલ્લા પંચાયત સભ્ય કિશોરસિંહ જાડેજા, બસીરશા સૈયદ, માધવજીભાઇ, પત્રકાર ગિરીશ જોશી, વિક્રમસિંહ જાડેજા, સંસ્થાના મુંબઇ એકમના પ્રમુખ હરિભાઇ ભાનુશાળી, આશારિયા ભાનુશાળી, પરેશ ભાનુશાળી, ઉમરશી ભાનુશાળી, શંભુભાઇ નંદા, દેશ મહાજનના પ્રમુખ પ્રવીણ ભાનુશાળી, અધિકારીઓ શ્રી ઝાલા, શ્રી પઠાણ, ભગરિથસિંહ ઝાલા વગેરેનું બહુમાન નાનજી ભાનુશાળી, બુધિયા ભગત, દામજીભાઇ ભાનુશાળી, શશી ભાનુશાળી, કનૈયાલાલ ભાનુશાળી, કનુ બાવાજી, પ્રવીણ ભદ્રા, ચેતન ભાનુશાળી વગેરેએ કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer