ભુજની આદર્શ નિવાસી કન્યા શાળાને વોટર કૂલરની ભેટ

ભુજની આદર્શ નિવાસી કન્યા શાળાને વોટર કૂલરની ભેટ
ભુજ, તા. 20 : અહીંની આદર્શ નિવાસી અ.જા. કન્યા શાળામાં સમાજની આર્થિક રીતે જરૂરતમંદ વિદ્યાર્થિનીઓ માટે ધોરણ 9 અને 10 માટે અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે. સાથે હોસ્ટેલની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કુલ 87 વિદ્યાર્થિનીઓને લાભ આપવામાં આવે છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે ભુજ કોમર્શિયલ બેંકના વાઇસ ચેરમેન રમેશભાઇ મહેશ્વરી દ્વારા બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠકમાં વોટર કૂલરની જરૂરિયાત બાબતે સુવિધા મંજૂર કરવા રજૂઆત કરાતાં બોર્ડ ઓફ ડાયરેકટર્સ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. શાળા તરફથી વોટર કૂલર અર્પણ કરવા બદલ બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સના સભ્યનો આભાર વ્યક્ત કરાયો હતો. દીપ પ્રાગટય બાદ શિક્ષણની જરૂરિયાત બાબતે ઉપસ્થિતો દ્વારા પ્રસંગોચિત વકતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના શિક્ષણગણ તેમજ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી. નિયામક રોહિતભાઇ, શાળાના આચાર્ય મનહરભાઇ વાઢેર તેમજ બેંક વતી બેંકના ચેરમેન હિતેશભાઇ ઠક્કર, વાઇસ ચેરમેન રમેશભાઇ, મેનેજિંગ ડાયરેકટર ગોદાવરીબેન ઠક્કર, બેંકના ડાયરેકટર મધુકરભાઇ ઠક્કર, ચેતનભાઇ શાહ, રેશ્માબેન ઝવેરી તથા પ્રોફેશનલ ડાયરેકટર ડો.મહેન્દ્રભાઇ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન શિક્ષિકા પ્રેમીલાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer