રહાણે-વિરાટની અર્ધ સદી : વિન્ડિઝ-એ સામેની અભ્યાસ મેચ ડ્રો થઈ

કૂલિજ (એન્ટીગ્વા) તા.20: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ-એ ટીમ વચ્ચેની ત્રણ દિવસીય અભ્યાસ મેચ ડ્રો સમાપ્ત થઈ હતી. ભારત તરફથી બીજા દાવમાં અંજિકય રહાણે (પ4) અને હનુમા વિહારી (64)એ અર્ધ સદી કરીને સારી બેટિંગ પ્રેક્ટિસ કરી હતી. મેચના ત્રીજા દિવસે ભારતે તેનો બીજો દાવ 78 ઓવરમાં પ વિકેટે 188 રને ડિકલેર કર્યો હતો. આ પછી વેસ્ટ ઇન્ડિઝ-એ ટીમે તેના બીજા દાવમાં પણ નબળો દેખાવ કરીને 47 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહ, અશ્વિન અને જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી. તા. 22 ઓગસ્ટથી શરૂ થનાર પહેલી ટેસ્ટ અગાઉ ભારતીય ટીમે બેટિંગ અને બોલિંગ બન્ને મોરચે સારો દેખાવ કરી આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો. આ અભ્યાસ મેચમાં ભારતે તેનો પહેલો દાવ ચેતેશ્વર પૂજારાની સદીથી પ વિકેટે 297 રને ડિકલેર કર્યો હતો. જવાબમાં વિન્ડિઝ-એ ટીમ પહેલા દાવમાં 181 રનમાં ડૂલ થઇ હતી. જેમાં ઇશાંત, કુલદીપ અને ઉમેશને 3-3 વિકેટ  મળી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer