ચોબારીમાં જૂના કેસનું મનદુ:ખ રાખી વૃદ્ધ ઉપર સશત્ર હુમલો

ગાંધીધામ, તા. 20 : ભચાઉ તાલુકાનાં ચોબારી ગામમાં અગાઉના કેસનું મનદુ:ખ રાખી પાંચ શખ્સોએ એક વૃદ્ધ ઉપર ટામી, છરી, લાકડી વડે હુમલો કર્યો હતો. બીજી બાજુ રાપરની મોટી રવમાં કચરો નાખવા મુદ્દે ત્રણ લોકો ઉપર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. ચોબારીના કબીરનગરમાં રહેતા પાંચાભાઇ ઢીલા (આહીર) તથા તેમના પિતા ગણેશાભાઇ ગત તા. 18/8ના પોતાના ઘરે હતા ત્યારે  ગામના જ પ્રવીણ વસ્તા રાજાણી, પપ્પુ તેજા ચાવડા, રામજી તેજા ચાવડા, તેજા વેરા ચાવડા, વિશન સવા ચાવડા નામના શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને અગાઉ ખેતર બાબતે થયેલો ઝઘડો તથા કોર્ટ કેસનું મનદુ:ખ રાખી આ શખ્સોએ ગણેશાભાઇ ઉપર ટામી, લાકડી અને છરી વડે  હુમલો કરતાં રાડારાડનાં પગલે પાંચા ઢીલા આવી છોડાવવા જતાં આ શખ્સોએ તેને પણ માર માર્યો હતો અને આ અંગે ફરિયાદ કરશો તો પિસ્તોલ લઇ આવી તમને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. બનાવમાં ઘવાયેલા વૃદ્ધને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. બીજી બાજુ રાપરના મોટી રવમાં મારામારીનો બનાવ બન્યો હતો. ગઇકાલે સાંજે પ્રાગજી શાકભાજી લઇને આવી રહ્યો હતો ત્યારે નટુભા ખેતાજી જાડેજા, અજિતસિંહ ખેતાજી જાડેજા, નશુભા ખેતાજી જાડેજા, રાજુભા નટુભા જાડેજા અને દેવુભા બહાદુરસિંહ જાડેજાએ તેને રોકાવ્યો હતો અને રસ્તામાં કચરો નાખો છો તથા વાડો ખસેડો છો તેમ કહીને માર મારતાં બનાવના ફરિયાદી રામજી બીજલ ગોહિલ અને એક મહિલા દોડી આવી મારમાંથી છોડાવવા જતાં આ બંનેને પણ માર મારવામાં આવ્યો હતો. બનાવમાં ઘવાયેલા ત્રણેય સારવાર અર્થે રાપર જતા હતા ત્યારે પોલીસમાં ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ?આપવામાં આવી હતી. પોલીસે આ બનાવમાં એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer