ભુજ સુધરાઇને પાંચ કરોડની ફાળવણી

ભુજ, તા. 20 : સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી અંતર્ગત શહેરી વિકાસ યોજના હેઠળ ભુજ નગરપાલિકાને પાંચ કરોડ સહિત રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, શહેર વિસ્તાર વિકાસ સત્તામંડળોને 2000 કરોડની જાહેરાત સાથે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આજે ગાંધીનગરના ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી માટિંગમાં ઉપમુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, લોચનભાઇ શહેરા, મહેન્દ્રભાઇ પટેલ, શ્રી પટ્ટણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિતોને સંબોધતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ફિલ્ટર પ્લાન્ટની હાલની પરિસ્થિતિ, ગટરના પાણી, લાઇનો, વરસાદમાં નુકસાન પામેલા માર્ગોની મરંમત, બાગ બગીચાનો વિકાસ સહિતના મુદ્દે  આગામી દિવસોના આયોજનો જણાવવા તથા તેના પ્રોજેકટ રજૂ કરવા કહી વિકાસના કામો માટે સરકાર હંમેશાં હકારાત્મક રહેશે તેમ જણાવી માતબર રકમની જાહેરાત કરી હતી. આ માટિંગમાં ભુજ નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા, મુખ્ય અધિકારી નીતિન બોડાત ઉપસ્થિત રહ્યા હતા. ભુજ શહેરના અલગ-અલગ વિકાસના કામો માટે પાંચ કરોડ ફાળવાયા છે જેમાંથી અડધી રકમ એકાદ-બે દિવસમાં જ્યારે બાકીની રકમ બેથી ત્રણ મહિનામાં મળી જશે તેવું જાણવા મળ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer