કચ્છી-ખારાઈ ઊંટના અસ્તિત્વ પર ખતરો

ભુજ, તા. 20 : કચ્છની ઓળખ સમા કચ્છી અને ખારાઈ ઊંટની વસ્તી 10,000 છે. જ્યારે ખારાઈ ઊંટની વસ્તી 1800થી પણ ઓછી રહી છે. ઊંટ તો જંગલમાં જ ચરે અને ગાય-ભેંસની જેમ તબેલામાં બાંધીને નિભાવી શકાય નહીં. કચ્છમાં અસ્તિત્વ માટે સંઘર્ષ કરતા કચ્છી અને ખારાઈ બન્ને ઊંટને હવે કચ્છના પરંપરાગત જંગલોમાં ચરિયાણ કરવું દુષ્કર બન્યું છે તેવી લેખિત ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી છે. વન વિભાગના કર્મચારીઓ રખાલિયાઓ માલધારીઓ ઉપર લાકડી ધોકા વડે માર મારી તેમના પર જુલ્મ કરી ઊંટને જંગલમાં જતા અટકાવે છે. ઊંટ તો જંગલનું પ્રાણી જંગલમાં ચરવા ન જાય તો ક્યાં જાય. કચ્છમાં છેલ્લા એક મહિનામાં ચાર વિવિધ રખાલોમાં રબારી અને જત માલધારીઓને ઊંટ કેમ ચરાવો છો અને હવે જો ઊંટ ચરાવશો તો જેલમાં પૂરી દેવામાં આવશે એમ ધમકીઓ આપે છે. કાયદાના નિયમોથી અજાણ માલધારીઓ પોતાના સંગઠનને જાણ કરી આ મુદ્દે દરમયાનગીરી માગતાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. એક તબક્કે માલધારીઓએ ઊંટને જંગલમાં ચરવા નહીં દેવાય તો અમારા ઊંટ જંગલમાં કુદરતના ભરોસે છોડી મૂકશું એવી ચીમકી પણ આપી હતી. માલધારીઓની રજૂઆત અનુસાર ઊંટ એવું પ્રાણી છે જે ખુલ્લા ચરિયાણ વિસ્તાર પર નિર્ભર છે. એટલે કચ્છના જંગલો જેવા કે રાજડા રખાલ, રતીપાર રખાલ, હબાય રખાલ, કાસ રખાલ, નીલવો ડુંગર, ભરડી માતાનો ઢુંવો અને ઘુઘીરાણા રખાલ એ એમનો મુખ્ય ચરિયાણ વિસ્તાર છે. ઊંટપાલકો ઊંટને બચાવવા જુદા જુદા વન વિસ્તારોમાં ચરિયાણ માટે લઈ જાય છે. હાલ સારો વરસાદ થવાથી આ વિસ્તારોમાં પુષ્કળ ઘાસ છે. રાજડા રખાલ, રતીપાર રખાલ, નીલવો ડુંગર, ભરડી માતાનો ઢુંવોમાં ઊંટોના જવા પર વનતંત્રનો પ્રતિબંધ છે. ત્યાં જાય તો વનવિભાગના કર્મચારીઓ માલધારીઓને ધોકા-લાકડી વગેરેથી મારપીટ કરી ઊંટ પકડી લે છે. આ પ્રકારની હેરાનગતિ અયોગ્ય છે. હાલ ખેતી વિસ્તારમાં વાવણી થયેલી હોવાથી જંગલ વિસ્તાર એ મુખ્ય ચરિયાણ છે ત્યાં નહીં જવા દેવાય તો ઊંટોને ઘાસ હોવા છતાં ખોરાકની સમસ્યા ઊભી થશે. ખારાઈ ઊંટપાલકોને પણ દરિયાઈ વિસ્તાર એવા ભરડી માતાના ઢુંવા પર જવા પ્રતિબંધ ફરમાવાયો છે. કલેક્ટર રેમ્યા મોહને ચરિયાણ બાબતે સંબંધિત વિભાગો સાથે સંકલન કરી નિરાકરણ લાવવા સહયોગની ખાતરી આપી હોવાનું સંગઠનની યાદીમાં જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer