વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા ભુજના દંપતીએ લીધો કાયદાનો સહારો : 11 જણ સામે ફોજદારી

ભુજ, તા. 20 : વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા અહીંના મનીષ નયનગર ગોસ્વામી નામના યુવાને તમામ રૂપિયા ચૂકવી દીધા પછી પણ વધુ વ્યાજની લાહ્યમાં તેને અને તેના પરિવારને ધાકધમકી સાથે કનડગત કરવા સાથે તેની પાસેથી બાઇક અને કાર પડાવી લેવા સહિતના મામલે 11 જણ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરાઇ હતી. ભોગ બનનારા મનીષગર ગોસ્વામીના પત્ની મૂળ ભુજમાં મહાદેવ નાકા વિસ્તારમાં સાંકડી શેરીના રહેવાસી અને હાલે અંજાર તાલુકાના વરસામેડી ગામે રહેતા અનિતાબેને ગઇકાલે અત્રેના એ. ડિવિઝન પોલીસ મથકમાં આ ગુનો દાખલ કરાવ્યો હતો. જેમાં આરોપી તરીકે ભુજના સુમિત બાવાજી, ભૂપતસિંહ જાડેજા, જયપાલસિંહ બ્રિજરાજસિંહ, ગિરિરાજસિંહ, જયપાલસિંહ, શિલ્પા રાજગોર, ચિરાગ ગોસ્વામી, સોહિલ ઠકકર, આનંદ બાવાજી, શંભુ ઠકકર અને આનંદ બાવાજીને બતાવાયા છે. પોલીસ સૂત્રોએ ફરિયાદને ટાંકીને આ વિગતો આપતાં જણાવ્યું હતું કે કેસના ફરિયાદી અનિતાબેનના પતિ મનીષગર ગોસ્વામીએ આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. આ તમામ રકમ પરત ચૂકવી દેવા છતાં તહોમતદારોએ વધુ વ્યાજ વસૂલ કરવા માટે ગાળાગાળી અને ધાકધમકી સહિતની આ દંપતીને કનડગત કરી હતી. તો મનીષગરનું યામાહા બાઇક અને સફેદ રંગની મારુતી વાહન મળી રૂા. 90 હજારની કિંમતના વાહનો તેમણે બળજબરીથી હસ્તગત કરી લીધા હતા. આ પ્રકરણનો ગુનો પહેલાં અંજાર પોલીસ મથકમાં જીરો નંબરથી દાખલ કરાયો હતો. આ પછી કેસના કાગળો ભુજ એ. ડિવિઝન પોલીસને મોકલાતાં ફોજદાર એ.એમ.ગેહલોતે તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer