એલ.એલ.ડી.સી. ખાતે જરી : વત્ર, ધાતુ સંવાદ સાથે પ્રદર્શન યોજાશે

ભુજ, તા. 20 : શ્રૃજન દ્વારા સંચાલિત ભુજ-ભચાઉ હાઈવે પર અજરખપુર ખાતે આવેલા ઈન્ટરનેશનલ લેવલના ક્રાફ્ટ મ્યુઝિયમ `લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન સેન્ટર' ખાતે ગત વર્ષે શરૂ કરાયેલી `ઈન્સ્પીરેશન ગેલેરી' (પ્રેરણા ગેલેરી)માં હાલમાં ચાલી રહેલો `આરી : એક ટાંકો વૈવિધ્યસભર ભરતકામનો' દ્વિતીય શો પૂર્ણ કરી, નવું તૃતીય પ્રદર્શન (ત્રીજો શો)-`જરી : વત્ર અને ધાતુનો સંવાદ'નો આરંભ તા. 23 ઓગસ્ટના શુક્રવારે સવારના 9:30 કલાકે થશે. જરીના દોરાને કાપડ પર શણગાર માટે એવી રીતે ગોઠવવામાં આવે છે કે થ્રીડી ઈફેક્ટ આપે. આ વિવિધ જરીકામના ઉત્કૃષ્ટ નમૂના જે-તે કારીગરોની અદભુત કૃત્તિઓના સન્માન માટે પ્રદર્શિત થશે. તમામ કારીગરોએ પોતાની કલાનો વારસો, બેનમૂન કારીગરીનું પ્રદર્શન કરી કાપડ તથા અન્ય માધ્યમો પર ઉત્કૃષ્ટ ડિઝાઈન અને સોનેરી-રૂપેરી તારનાં માધ્યમથી અભિવ્યક્તિ આપી છે. અમી શ્રોફ, પ્રીતિબેન, ભોજાભાઈ મારવાડા તેમજ કચ્છના સુવિખ્યાત એન્ટિક કલેક્ટર  વઝીરભાઈના પણ કેટલાક અલભ્ય નમૂનાઓને આમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનના માધ્યમથી આ તમામ કલા-કારીગરી અને કારીગરો, ડિઝાઈનરો સન્માનિત થશે, સાથોસાથ અહીંના સ્થાનિક અલગ-અલગ હસ્તકળાઓના કારીગરો પણ આ દ્વારા પ્રેરણા મેળવશે. આ નવનિર્મિત ગેલેરીમાં દર ચાર મહિને પ્રદર્શિત થનારી દુનિયાભરની હસ્તકળાઓ કે જેમાં ખાસ કરીને એમ્બ્રોઈડરી, વિવિંગ, પેઈન્ટિંગ વગેરેની વિવિધ શૈલીઓ અને આકર્ષક સ્વરૂપોના નમૂનાઓને અહીં આધુનિક રીતે અનોખા  અંદાજથી રજૂ કરાય છે, એવું સંસ્થાના મહેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer