કચ્છમાં એસ.આર.પી. જવાનો સાથે નાકાબંધી

કચ્છમાં એસ.આર.પી. જવાનો સાથે નાકાબંધી
ભુજ, તા. 19 : જમ્મુ-કાશ્મીરમાંથી 370મી કલમ હટાવવામાં આવ્યા પછીના અજંપાભર્યા માહોલમાં અફઘાની આતંકી ઘૂસ્યાની બાતમી તેમજ તહેવારોને અનુલક્ષીને ગુજરાતની સાથે કચ્છમાં સલામતી વ્યવસ્થા જડબેસલાક બનાવવામાં આવી છે. જાહેર માર્ગથી માંડીને ચાવીરૂપ સ્થળોએ શત્રસજ્જ એસ.આર.પી. જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જન્માષ્ટમીના તહેવારો નજીક આવતા હોવાથી આ વાતાવરણમાં કયાંથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા એજન્સીઓએ વધુ સતર્ક બનીને બંદોબસ્ત વધારી દીધો છે તો બીજી બાજુ રાજ્યમાં આતંકવાદી ઘુસ્યો હોવાના સ્કેચ જારી કરીને સૌને દોડતા કરી  દીધા છે. આ બાબતે કચ્છ-બનાસકાંઠા રેંજ પોલીસના આઇ.જી. ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે કચ્છ સીમાવર્તી વિસ્તાર  છે ત્યારે સ્વાભાવિકે તહેવારો નજીક આવે છે આવા માહોલમાં વધુ સતર્ક રહેવું સલામતી ભર્યું છે. એટલે પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસની ચેક પોસ્ટ ઉપર એસ.આર.પી. જવાનોને મૂકવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં એલર્ટ છે તેના ભાગરૂપે જનમાષ્ટમી માટે થોડો બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. તો બીજી બાજુ કચ્છમાં ઘૂસણખોરીની શક્યતાને ધ્યાને લઇને પણ ઉપરથી એલર્ટની સૂચના  છે બાકી કોઇને ગભરાવાની કે ચિંતા કરવાની જરૂરત રહેતી નથી આ સુરક્ષા એજન્સીઓની સામાન્ય પ્રક્રિયા છે એમ શ્રી વાઘેલાએ જણાવ્યું હતું. પશ્ચિમ કચ્છની પોલીસ ચોકીઓ પડોશી પાકિસ્તાન સરહદની નજીક હોવાથી આવી પાંચ ચેક પોસ્ટ ઉપર એસ.આર.પી.ની પ્લાટૂન ગઇકાલથી ઉતારવામાં આવી છે. આ બાબતે પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભ તોલંબિયાને પૂછતાં તેમણે પણ સમર્થન આપ્યું હતું. તેમના કહેવા પ્રમાણે ઘડુલી, મોથાળા, દેશલપર, લોરિયા સહિતની પશ્ચિમ કચ્છમાં આવેલી પોલીસ ચોકી વિસ્તારમાં એસ.આર.પી.ના જવાનો ખડકાયા છે. એક ચોકી ઉપર 30 એસ.આર.પી., 30 પોલીસ એમ 60 જવાનો તૈનાત કરાયા છે. રાજ્યના ડી.જી. તરફથી મળેલી સૂચનાને પગલે 24 કલાક પેટ્રોલિંગ-બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. અત્યંત આધુનિક હથિયારો સાથે જવાનો ચોકી પહેરો કરી રહ્યા છે. સાથે પસાર થતાં દરેક વાહનનું ચેકિંગ પણ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત સમગ્ર વિસ્તારમાં ઊંટસવાર, ઘોડેસવાર પણ પેટ્રોલિંગ કરી રહ્યા છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં વધુ પડતી સતર્કતા દાખવવામાં આવી હોવાનું એસ.પી.એ જણાવ્યું હતું. જે વિસ્તારમાં પોલીસની નાકાબંધી છે ત્યાં આવી મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો હથિયારો સાથે અચાનક તૈનાત થઈ જતાં આસપાસના વિસ્તારના લોકોમાં પણ ક્યાંક ઉચ્ચાટ ફેલાયો હતો.  જ્યારે પૂર્વ કચ્છના એસ. પી. પરીક્ષિતા રાઠોડનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, અમારી પાસે આડેસર, સામખિયાળી ખાતે કાયમી ધોરણે નાકાબંધી છે, ત્યાં એસ.આર.પી.ની ટીમો છે જ બાકી, આઠેક એવા લેન્ડિંગ પોઈન્ટ છે, ત્યાં પહેરો વધારી દેવામાં આવ્યો છે.  પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં પર્યાપ્ત માત્રામાં જવાનો ચોકી પહેરો ભરી રહ્યા છે. ત્રણ શિફ્ટમાં સતત 24 કલાક હથિયારધારી જવાનો રખોપું કરવા સજજ છે. બાકી કોઈ પણ આસપાસના ગ્રામજનોએ આ બંદોબસ્ત થકી સમજ્યા વગરની અફવા તરફ ધ્યાન આપવું નહીં, અને ગભરાટ ફેલાય તેવી સ્થિતિ પણ ઊભી નહીં કરવા તાકીદ કરવામાં આવી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer