વિશ્વવાસી લેઉવા પટેલો ખોડલધામ છત્રે એક

વિશ્વવાસી લેઉવા પટેલો ખોડલધામ છત્રે એક
વસંત પટેલ દ્વારા - કેરા (તા. ભુજ), તા. 19 : વિશ્વમાં કોઈ પણ દેશમાં વસતા લેઉવા પાટીદારોને સામાજિક સંગઠન માટે ખોડલધામ છત્રે એક કરવા સ્થાપક ચેરમેને તાજેતરમાં આફ્રિકાના કેન્યા, યુગાન્ડાની મુલાકાત લઈ આહવાન કર્યું હતું. કંપાલા, નાઈરોબી, મોમ્બાસાના કચ્છી લેવા પટેલ સમાજો સાથે બેઠક યોજાઈ હતી. મુલાકાતોનું સંકલન ભુજ સમાજના વરિષ્ઠ કાર્યકરોએ કર્યું હતું. ચાર સદી પહેલાં ગુજરાતની જ્ઞાતિગંગામાંથી કચ્છના રેતાળ રણમાં છૂટો પડી ગયેલો કચ્છી લેવા પટેલ સમાજ ભુજ ચોવીસી અને વાગડ લેઉવા પાટીદાર સમૂહ આજે વિશ્વવાસી લેવા પટેલોને એક છત્રે લાવવા માધ્યમ બન્યો છે. તાજેતરમાં ખોડલધામ ટ્રસ્ટના સ્થાપક ચેરમેન નરેશ પટેલે પૂર્વ આફ્રિકન દેશોના લેઉવા પાટીદારો સાથે વિચાર વિમર્શ કર્યો હતો. પ્રવાસના વિવિધ ચરણો પૈકી નાઈરોબીમાં લેવા પટેલ સમાજના પ્રમુખ ભીમજીભાઈ હાલાઈ, મંત્રી નારાણભાઈ વડોદરિયાના સંકલન હેઠળ સંસ્થાની પ્રવૃત્તિઓ જાણી હતી, તો મોમ્બાસામાં કચ્છી દાનવીર હસમુખભાઈ ભુડિયાની ઐતિહાસિક સખાવતો-સેવાને નિહાળી પીઠ થાબડી હતી, તેમણે હસુભાઈને ખોડલધામની મુલાકાતે આવવા ગુજરાત વતી આમંત્રણ પાઠવ્યું હતું. મોમ્બાસા સમાજ પ્રમુખ ધનજીભાઈ પિંડોરિયા, નારાણભાઈ સહિતની સમિતિએ સહયોગ આપ્યો હતો. કંપાલામાં પ્રમુખ નીતિનભાઈ વેકરિયા અને ટીમ સમાજે ભાગ લીધો હતો. અહીં ચરોતર, સૌરાષ્ટ્ર અને કચ્છ સમાજની સમસ્ત પાટીદાર ધરી રચવા વિચારબીજ રોપાયું હતું. ત્રણે બેઠકોમાં કચ્છી સમાજ દ્વારા ચાલતી શૈક્ષણિક, આરોગ્ય અને આવાસીય વ્યવસ્થાઓની મુલાકાત લેવાઈ હતી. લંગાટામાં કચ્છ પ્રાંત તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો અને કચ્છના સંતોના પ્રદાનને નરેશ પટેલે ઐતિહાસિક ગણાવ્યું હતું. બિનનિવાસી ગુજરાતીઓને વતનમાં વેઠવી પડતી અગવડોની ચર્ચા કરાઈ હતી. મુલાકાત દરમ્યાન દાતા કે.કે. પટેલ (કે. સોલ્ટ), રામજી દેવશી વેકરિયા, કાંતિભાઈ કેરાઈ, પ્રવીણભાઈ વેલજી પિંડોરિયા, જયંતીભાઈ સદામ તેમજ નાઈરોબી, યુગાન્ડા, મોમ્બાસા ત્રણેય લેવા પટેલ સમાજ સંસ્થાઓની સમગ્ર કારોબારી, જ્ઞાતિજનો જોડાયા હતા. આર.ડી. વરસાણીએ શુભેચ્છા આપી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer