તણાયેલા યુવાનનો 48 કલાક બાદ મૃતદેહ મળ્યો

તણાયેલા યુવાનનો 48 કલાક બાદ મૃતદેહ મળ્યો
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 19 : ગઈકાલે સાંજના સમયે બુરકલ માર્ગે તણાયેલા યુવાનની ભારે શોધખોળ બાદ આજે સાંજે જખૌ કોસ્ટગાર્ડની ટીમ દ્વારા મૃતદેહને બહાર કઢાતાં પરિવારજનોનાં હૈયાંફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. ચોમાસા બાદ જ્યાં ઘાસિયા મેદાન છે તે વિસ્તાર નાની બન્નીમાં મોટી માત્રમાં પાણી ભરાયેલાં છે, તો નરા ડેમનો ઓગન પણ ચાલુ છે તેવા હાજીપીર બુરકલ રસ્તા પરની પાપડીમાં દ્વિચક્રીથી પસાર થતો યુવાન મુજાવર અલી ઓસમાણ (ઉ.વ. 24) તણાઈને બાજુમાં 30થી 40 ફૂટ ઊંડા અને પાણીથી ભરાયેલા ખાડામાં ગરકાવ થઈ જતાં ગઈકાલે સાંજે છ વાગ્યાથી અવિરત શોધ છતાં પતો મળ્યો નહોતો. હાજીપીરથી એક કિ.મી. દૂર બુરકલ પાપડી પર પાણીનાં વહેણમાં તણાયેલા યુવાનને શોધવા ગ્રામીણ તરવૈયા ઉપરાંત ગાંધીધામ ફાયર બ્રિગેડની ટીમના સાત સભ્યો, ભુજ નગરપાલિકાની ટીમના ચાર સભ્યોએ આખી રાત શોધખોળ ચાલુ રાખી હતી. પરંતુ સફળતા નહોતી સાંપડી. ખાડામાં ગાંડો બાવળ, ઝાડીઝાંખરા હોવાથી શોધખોળમાં મુશ્કેલીઓ પડી રહી હતી. બનાવની જાણ થતાં આજ સવારથી નાના-મોટા લુણા, બુરકલ, નરા, હાજીપીર, ઢોરો વિસ્તારના 1000થી વધુ લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા. આ ઉપરાંત આજ સવારથી કલેક્ટર, સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઈ સહિતના ઘટના સંદર્ભે સતત સંપર્કમાં હતા. મોનિટરિંગ માટે ભુજ મામલતદાર કલ્પેશભાઈ, નાયબ મામલતદાર નિખિલભાઈ, પ્રાંત અધિકારી શ્રી ઝાલા ઘટનાસ્થળે હાજર હતા. તો વારા પી.એસ.આઈ. શ્રી સોઢા, એ.એસ.આઈ. યશવંતસિંહ (હાજીપીર), ભગવાનસિંહ જાડેજા, ગજુભા (નરા) પણ કાર્યવાહીમાં જોડાયા હતા. સરપંચ જત સેયા ઉમર (બુરકલ), અખિલ કચ્છ સુ. મુ. હિતરક્ષક સમિતિના પ્રમુખ ઈબ્રાહીમભાઈ હાલેપોત્રા, મિયાંહુસેન ગુલબેગ, યાકુબ મુતવા, હાજીપીરના મુજાવર વિ. પણ ઉપસ્થિત રહ્યા હતા. બપોર બાદ ખાડામાં આવતાં વહેણને બંધ કરવા અને બીજીતરફ વાળવા આર્ચિયન કંપનીના હિટાચી દ્વારા કાર્યવાહી કરાઈ હતી. ડો. અમીન અરોરા (ભિરંડિયારા), ડો. જિતેન્દ્રભાઈ, અંતાણીભાઈ પણ ખડેપગે રહ્યા હતા. બન્નીના હાજીભાઈ, અબ્દુલા બુઢા, મામદ જત, મુસા જીયેજા, યાકુબ જત વિ. મદદરૂપ બન્યા હતા. આજે સાંજે સાડા છ વાગ્યા બાદ જખૌ કોસ્ટગાર્ડના ડેપ્યુટી કમાન્ડર અમરનાથની ટીમે ઓક્સિજન માસ્ક સાથે શોધખોળ આરંભી હતી અને 20 મિનિટ બાદ યુવાનનો માટીમાં ખૂંપેલો મૃતદેહ શોધી કાઢ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer