આંખોમાં મમતા હશે તો તસવીરમાં પડઘાશે

આંખોમાં મમતા હશે તો તસવીરમાં પડઘાશે
ગાંધીધામ, તા. 19 : ઈન્નરવ્હીલ કલબ ગાંધીધામ દ્વારા મીડિયા પાર્ટનર `કચ્છમિત્ર'ના સહયોગથી `મમતા' થીમ ઉપર આયોજિત તસવીર સ્પર્ધા અને પ્રદર્શનનું આજે  વિશ્વ ફોટોગ્રાફી ડેના સમાપન થયું હતું. આ વેળાએ યુવા તસવીરકારોએ `મમતા' દર્શાવતી વિવિધ રંગબેરંગી તસવીરો રજૂ કરી હતી, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આજે યોજાયેલા સમાપન સમારોહમાં સ્પર્ધાના નિર્ણાયક અને મૂળ કચ્છના જાણીતા તસવીરકાર હરિ મહીધર (મુંબઈ)એ પ્રાસંગિક વકતવ્યમાં  ઊગતા તસવીરકારોને વિવિધ બાબતો અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તસવીરમાં ફોટોગ્રાફરે શું જોયું અને તેને શું દેખાયું તે મહત્ત્વનું છે. તે બાબત ઉપરથી જ તસવીરની શ્રેષ્ઠતા નક્કી થાય છે. ઈન્નરવ્હીલ કલબે કરેલા આયોજનને બિરદાવી તેમણે ભવિષ્યમાં અન્ય સામાજિક વિષયો ઉપર પણ સ્પર્ધા યોજવા અનુરોધ કર્યો હતો. તસવીરકારે લાંબી રેસના ઘોડા બનવાનું છે તેવું કહી ફોટોગ્રાફરોને સ્વાસ્થ્યની પણ તકેદારી રાખવા તેમણે ટકોર કરી હતી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે કોઈ વસ્તુ સારી નથી હોતી તમને કઈ વસ્તુની જરૂરિયાત છે તે બાબત મહત્ત્વની છે. તેમણે પ્રદર્શનમાં રજૂ થયેલી તસવીરોને બિરદાવી હતી. `કચ્છમિત્ર' ગાંધીધામ બ્યૂરોના વડા અદ્વૈતભાઈ અંજારિયાએ ગાંધીધામ સંકુલમાં કે જ્યાં કલાને ઓછું પ્રોત્સાહન મળે છે ત્યાં તસવીરકલા માટેનું આયોજન થયું તે બદલ હર્ષની લાગણી વ્યકત કરી હતી.  તસવીર આંખોથી ખેંચાય છે. આંખોમાં `મમતા' હશે તો તસવીરમાં દેખાશે તેવું તેમણે કહ્યું હતું. સંકુલના વરિષ્ઠ તસવીરકાર ધીરૂભાઈ ભટ્ટે પ્રાસંગિક વકતવ્યમાં આયોજન બદલ આનંદની લાગણી વ્યકત કરી હતી.  ઈન્નરવ્હીલ કલબના પ્રમુખ નીતા નેહલાણીએ સૌ મહેમાનોને આવકારી યુવા તસવીરકારોને નવી ઓળખ મળે તે હેતુથી આ આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. ભાગ લેનારા સૌ કોઈએ રંગબેરંગી તસવીરો રજુ કરી તે બદલ આનંદની લાગણી વ્યકત કરી હતી. ઈન્નરવ્હીલ કલબ તસવીરકારોની કારકિર્દીને વધુ સારી તક મળે તે માટે ભવિષ્યમાં વિવિધ પ્રકલ્પો હાથ ધરશે તેવી ખાતરી આપી હતી. આ સ્પર્ધા મોબાઈલ કેમેરા અને ડી.એસ.એલ.આર. કેમેરા એમ બે વિભાગમાં યોજાઈ હતી. મોબાઈલ કેમેરા વિભાગમાં અક્રમ કુંગડા પ્રથમ, છાયા ચૌહાણ બીજા ક્રમે વિજેતા બન્યા હતા. જ્યારે સુનિતા ચૌધરી, દેવાંગ શર્માને આશ્વાસન પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ડી.એસ.એલ.આર. વિભાગમાં દેવદત ભીંડે પ્રથમ, પ્રતીક જોષી દ્વિતીય અને કિરણ રાવલ તૃતીય ક્રમે વિજેતા જાહેર થયા હતા, અને આશુતોષ ગોર, પ્રયાગ તેજવાની, હાજી સાંખરેચાને આશ્વાસન પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. સંચાલન પ્રોજેકટ પર્સન ભૈરવી જૈને કર્યું હતું. મંત્રી સીમા સીંઘવીએ આભારવિધિ કરી હતી.  આયોજનમાં ફોટોગ્રાફર્સ ટ્રાઈબના કન્વીનર રાજેશ લાલવાણી, અમન મહેતા, ભૂપેન્દ્ર ગોયલ અને કલબના કારોબારી સદસ્યો તથા સભ્યો સહયોગી બન્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer