બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય પેશાબ રોગ શિબિરમાં 150 દર્દી તપાસાયા

બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય પેશાબ રોગ શિબિરમાં 150 દર્દી તપાસાયા
બિદડા (તા. માંડવી), તા. 19 : કચ્છમાં ઓછા વરસાદ અને ઊંડા ઊતરતા જતા ભૂગર્ભજળ તથા પાણીમાં ક્ષારના વધારે પડતાં પ્રમાણને લીધે કિડની પથરી તથા પેશાબ રોગના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આ રોગના ઈલાજ માટે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શા. કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ ખાતે ત્રિદિવસીય પેશાબ રોગ શિબિર યોજાઈ હતી. નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલના સહયોગથી યોજાયેલી આ શિબિરમાં પથરીના નિષ્ણાત ડો. મહેશ દેસાઈએ જુલિયમ લેઝર મશીન દ્વારા દર્દીઓનું નિદાન કર્યું હતું. ડે. દેસાઈની ગણના એશિયાના પથરીના પ્રથમ દસ નિષ્ણાત તબીબ તરીકે થાય છે. તેમની સાથે નડિયાદ હોસ્પિટલના ડો. પ્રદીપ ગણાત્રા, ડો. ગોપાલ ટાંક, ડો. ક્રિષ્નંદ વિશ્વાસ, ડો. નવીન રેડ્ડી, ડો. પલાની, ડો. મનોજ પટેલ (એનેસ્થેટિક) સાથે બિદડા હોસ્પિટલના રેસિડેન્ટ ડો. ભરત ધરોડે દર્દીઓને તપાસ્યા હતા. આ પેશાબ રોગ શિબિરમાં 150 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 34 દર્દીઓના સ્થાનિકે ઓપરેશન કરી અપાયા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ શાંતિભાઈ વીરા, ડો. મયૂર મોતા તથા હરખચંદ સાવલાના જણાવ્યા મુજબ દિવસોદિવસ આરોગ્યસેવા મોંઘી થતી જાય છે, ત્યારે ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરતમંદ માટે પેશાબને લગતી ખાસ શિબિર યોજવામાં આવી હતી. આ ત્રિદિવસીય શિબિરમાં કોઈપણ જાતના ચાર્જ વગર તપાસણી, ઓપરેશન, દવા, રહેવા-જમવા સહિતની તમામ વ્યવસ્થા મફત પૂરી પાડવામાં આવી હતી. શિબિરમાં ઓપરેશન વિભાગમાં અરવિંદ મોહન, દિનેશ, હીરાલાલ, પરેશ, શિવજી, કાનજી તથા અંકિતે ફરજ બજાવી હતી. સેવાભાવી કાર્યકર અક્ષય શાહ, માનસી ગાલા, ક્રિષ્નાબેન દેઢિયા, તલકશી દેઢિયા તથા જીવરાજ પટેલે વ્યવસ્થા જાળવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer