પ્રાથમિક શિક્ષણ વિભાગને અલગ આયોગની માંગ

પ્રાથમિક શિક્ષણ વિભાગને અલગ આયોગની માંગ
ભુજ, તા. 19 : પ્રાથમિક શિક્ષા આયોગ ગઠન કરવાની માંગ સાથે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા સોમવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 16 સૂત્રીય આવેદનપત્ર અપાયું હતું. 19 ઓગસ્ટના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભારત સાથે સંલગ્ન તમામ રાજ્યના શિક્ષક સંગઠનો દ્વારા દેશમાં તમામ જિલ્લાઓમાં કલેકટર મારફતે વડાપ્રધાન, માનવ સંસાધનમંત્રી, ભારત સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. જેમાં સ્વતંત્ર પ્રાથમિક વિભાગનું ગઠન, નવી પેન્શન યોજનાને બદલે નવી યોજના, નિવૃત્તિવય, કેન્દ્રના ધોરણે પગાર, બિનશૈક્ષણિક કામોમાંથી સંપૂર્ણ મુક્તિ, ધોરણવાર શિક્ષકોની નિયુક્તિ, મધ્યાહ્ન ભોજન યોજનામાં અલગ તંત્ર, બઢતી માટે યોગ્ય વ્યવસ્થા, શિક્ષણ અભ્યાસમાં રમત-ગમત અને યોગ શિક્ષણનો સમાવેશ, એનઆઈઓએસના બ્રીજકોર્સમાં વંચિત શિક્ષકો માટે ફરીથી રજિસ્ટ્રેશન શરૂ કરવા સહિતના મુદ્દાઓને આવરી તેની અમલવારી કેન્દ્ર અને રાજ્ય કરે તેવી માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના કચ્છના પ્રમુખ ખેતશીભાઈ ગજરા, મંત્રી રમેશભાઈ ગાગલ, સંગઠનમંત્રી નારાણભાઈ ગઢવી, મહિલા કન્વીનર તૃપ્તિબેન ઠાકર, કિશોરસિંહ ચૂડાસમા, પ્રચાર પ્રમુખ વિક્રમપુરી ગોસ્વામી, જગદીશભાઈ ત્રિવેદી (માંડવી તા. અધ્યક્ષ), લાભુગિરિ ગોસ્વામી (ભચાઉ તા. અધ્યક્ષ), પ્રવીણભાઈ ચૌહાણ (ભુજ તા. મંત્રી), બળવંતભાઈ છાંગા (અંજાર તા. મંત્રી), હેતલબેન ઉમરાણિયા, રાખીબેન રાઠોડ સહિતના શિક્ષકો જોડાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer